ચાઈનીઝ વાયરસનો હાહાકાર સમગ્ર વિશ્ર્વમાં મચી રહ્યો છે ત્યારે નવા સ્ટ્રેઈનમાં વિશ્ર્વમાં અત્યારે સૌથી વધુ સંક્રમીત દેશોમાં બ્રાઝીલ ભારત કરતા પણ આગળ નીકળી ગયું છે. લેટીન અમેરિકન દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ અને ઓછામાં ઓછા 21 કરોડ લોકોને કોરોનાનું સંક્રમણ લાગી ચુક્યું છે અને અત્યાર સુધીમાં 3 લાખ 65 હજાર મૃત્યુ નિપજયા છે. દક્ષિણ એશિયાના ભારત સહિતના દેશોમાં મૃત્યુઆંક કાબુમાં છે પરંતુ બ્રાઝીલની પરિસ્થિતિ દિવસે-દિવસે વિકટ બનતી હોવાનું વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું.
દૈનિક મૃત્યુઆંકમાં 4000નો ઉછાળો નોંધાયો છે. બ્રાઝીલમાં અને ભારત
વચ્ચે કોરોના વકરવાની પરિસ્થિતિના અલગ અલગ કારણો દર્શાવવામાં આવ્યા છે. ભારતમાં સામાજિક ધોરણે કોરોના વાયરસ વિરુદ્ધ સમજદારીપૂર્વક યુદ્ધ મંડાઈ ચૂક્યું છે ત્યારે બ્રાઝીલમાં કોરોના બેકાબુ રીતે આગળ વધી રહ્યો છે. નિષ્ણાંતો માની રહ્યાં છે ક્રોસ ઈમ્યુનિટીના કારણે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને બ્રાઝીલમાં મૃત્યુ નિપજયા છે. 87 ટકા બ્રાઝીલના લોકો શહેરી વિસ્તારમાં રહે છે ત્યારે ભારતમાં 2/3 વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે.
એમસીજી યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, બ્રાઝીલ અત્યારે કોરોના સંક્રમણ ધરાવતા સૌથી સંવેદનશીલ વિસ્તારમાં આવી ચૂક્યો છે અને પરિસ્થિતિ હજુ વધુ વકરે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે. આ મહામારીને નાથવા બ્રાઝીલમાં કડક યુદ્ધના ધોરણે લાંબાગાળાની રણનીતિ જરૂરી બની હોવાનું જણાવ્યું છે.