રાજકોટ જીલ્લામાં સતત ત્રીજા દિવસે સંક્રમિતોની સંખ્યા 60 થી વધુ: સૌરાષ્ટ્રમાં બીજી લહેર બાદ સંક્રમિતોની સંખ્યા 100 ને પાર
અબતક, કીરીટ રાણપરીયા
ઉપલેટા
શહેરની પ્રથમ નંબરની કહી શકાય તેવી ધ મધર ઇન્ટરનેશનલ સ્કુલમાં ગઇકાલે જામજોધપુરથી અભ્યાસમાં આવતા 1ર બાળકોને કોરોના પોઝિટીવ આવતા મેનેજમેન્ટ જીલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી સ્કુલને સાત દિવસ માટે બંધ રાખવા નિર્ણય કર્યો છે.
શહેરમાં કોલકી રોડ ઉપર આવેલી ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કુલમાં જામજોધપુરથી આવતા બાળકોને ગઇ કાલે જામજોધપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર આખી બસનું કોરોના ટેસ્ટીંગ કરાતા તેમાંથી 1ર વિઘાર્થીઓને કોરોના પોઝીટીવ આવતા શાળાના સંચાલક મંડળના રાજેન્દ્રસિંહ ઝાલાએ તરત જ જીલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી અને સાત દિવસ માટે શાળા બંધ રાખવા નિર્ણય લઇ ગતરાત્રે જ એક વિડીયો મારફત શાળામાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ અને તેના વાલીઓને જો કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલીક જે તે વિસ્તારના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઉપર જઇ કોરોના રીપોર્ટ કરાવી લેવા અપીલ કરી હતી સાથે સાથે સ્કુલ શૈક્ષણિક કાર્ય ઓનલાઇન ચાલુ રહેશે અને વાલીઓને ખાસ વિનંતી કરતા જણાવેલ કે જો આપના બાળકોને કોરોના લક્ષણો દેખાય તો સ્કુલે ન મોકલવા અને સ્કુલને જાણ કરવી જેથી કરીને આવતા બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાની સ્થિતિ વકરતી દેખાઈ રહી છે. જેમાં ગઈ કાલે ફરી કોરોનાએ માથું ઉચકતા રાજકોટ જિલ્લામાં 61 સહિત સૌરાષ્ટ્રભરમાં કુલ 123 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 53 વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે 5858 થઇ ગયો છે જ્યારે 16 દર્દીની હાલત ગંભીર છે.
રાજકોટ જિલ્લામાં કોરોનામાં સતત ત્રીજા દિવસે પોઝિટિવ કેસની સંખ્યા 60ને પાર પહોંચી છે. રાજકોટ શહેરમાં આજે વધુ 37 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા 272 પર પહોંચી છે. શહેરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 43,236 થઈ છે. સતત બીજા દિવસે એક પણ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો નથી. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં આજે વધુ 24 નવા કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં પણ કોરોના જાણે વિફર્યો હોય તેમ રાજકોટ સહિત કુલ 123 લોકો સંક્રમિત થયા છે. જેમાં જામનગરમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મોરબીમાં પણ 12 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં 19 પોઝિટિવ કેસ, તો ગીર સોમનાથમાં 5 કેસ, અમરેલી-સુરેન્દ્રનગરમાં 3-3 કેસ, દેવભૂમિ દ્વારકામાં 2 કેસ અને જૂનાગઢ જિલ્લામાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. કોરોનાની બીજી લહેર હળવી થયા બાદ પહેલીવાર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 100ને પાર પહોંચી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 1259 કેસ નોંધાયા છે તેમાંના અડધોઅડધ માત્ર અમદાવાદમાંથી છે. અમદાવાદ શહેરમાંથી 631-ગ્રામ્યમાંથી 13 સાથે 644 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાંથી અન્યત્ર સુરત શહેરમાં 213-ગ્રામ્યમાં 12 સાથે 225, વડોદરા શહેરમાંથી 68-ગ્રામ્યમાંથી 7 સાથે 75, વલસાડમાં 40, આણંદમાં 29, ગાંધીનગર શહેરમાં 18-ગ્રામ્યમાં 10 સાથે 28, ખેડામાં 24, ભરૂચ-નવસારીમાં 16, મહેસાણા-મોરબીમાં 12, કચ્છમાં 11, મહીસાગરમાં 6, ગીર સોમનાથમાં 5, સાબરકાંઠામાં 4, અમરેલી-સુરેન્દ્રનગર-તાપીમાં 3, દેવભૂમિ દ્વારકામાં 2, અરવલ્લી-બનાસકાંઠા-દાહોદ-જુનાગઢ-ગ્રામ્ય-પોરબંદરમાંથી 1-1 કેસ સામે આવ્યા હતા.
તો બીજી તરફ બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, પંચમહાલ, પાટણ જ એવા જિલ્લા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 8,35,028 છે. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાંથી 2-નવસારીમાંથી 1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે 10,123 છે. રાજ્યમાં હાલ 5858 એક્ટિવ કેસ છે જ્યારે 16 દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ 2870 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. પાટણ, બોટાદ, છોટા ઉદેપુર એમ ત્રણ જ જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી.31 ડિસેમ્બરે રાજ્યમાં 2962 એક્ટિવ કેસ હતા. આમ, 3 દિવસમાં એક્ટિવ કેસમાં અડધોઅડધ વધારો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 151 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,19,047 વ્યક્તિ કોરોનાને હરાવી ચૂકી છે અને સાજા થવાનો દર 98.09% છે.
ગોંડલ મા કોરોના પોઝીટીવ દિનબદિન વધી રહ્યા છે.શહેર ની બે સ્કુલો મા વિદ્યાર્થી કોરોના ગ્રસ્ત બન્યા બાદ આજે સેન્ટમેરી સ્કુલ મા ધોરણ 12 નો વિદ્યાર્થી કોરોના પોઝીટીવ થતા સેન્ટમેરી સ્કુલ મા પાંચ દિવસ ની રજા જાહેર કરાઇ છે.ગોંડલ માં આજે વધુ પાંચ વ્યકિતઓ કોરોના પોઝીટીવ થતા શહેર મા કોરોના ના કેસ વધી રહ્યા છે
ગુજરાતમાં ર4 કલાકમાં 1259 નવા દર્દી: ત્રણના મોત
જામનગરમાં કોરોનાનો કહેર: બે ઓમિક્રોન પોઝિટિવ,બેના મોત
જામનગર જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના નવા 22 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 70ને નજીક પહોંચી છે.
વધતા જતા કોરોના પોઝિટિવ કેસની સાથે 2 કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે. થોડા સમય પહેલા જામનગર જિલ્લામાં ઓમિક્રોન વેરિયન્ટના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. જે વ્યકિતનો ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેની ટ્રાવેલ હિસ્ટ્રી તાન્ઝાનિયાની હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં સૌપ્રથમ ઓમીક્રોન વેરિયેન્ટનો કેસ નોંધાયા બાદ ફરી એકવાર શહેરના 68 વર્ષના વૃદ્ધ અને અને ગ્રામ્યમાં રહેતી 23 વર્ષની યુવતી ઓમીક્રોન પોઝિટિવ નોંધાતા તંત્રમાં ચિંતાનો વ્યાપ વધ્યો છે.
તો બીજી તરફ જામનગરમાં કોરોનાએ મોત મામલે પણ તાંડવ: કરતા લોકોમાં પણ ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે. જામનગરમાં કોરોનાની સારવાર લેતા વધુ બે દર્દીઓએ દમ તોડયા હતા.