૧૨ દિવસમાં કોરોનાએ ૧૭૪ લોકોનો ભોગ લીધો: બપોર સુધીમાં શહેરમાં વધુ ૪૭ પોઝિટિવ કેસ નોંધાયા
વૈશ્ર્વિક મહામારી કોરોનાએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં અજગરી ભરડો લીધો છે. કોરોનાથી માણસો ટપોટપ મરી રહ્યાં છે. આજે સવારથી બપોર સુધીમાં શહેરની સિવિલ હોસ્પિટલ અને અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાથી ૧૪ દર્દીઓના મોત નિપજયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બપોર સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કોરોનાના કુલ ૪૭ પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટમાં કોરોનાના સંક્રમણ સાથે ડેથ રેસીયામાં પણ તોતીંગ ઉછાળો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારથી બપોર સુધીમાં કોરોનાથી ૧૪ દર્દીઓના મોત નિપજયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના નામ અને સરનામા જાહેર કરવાનું બંધ કરાયા બાદ હવે મૃતકના નામ પણ જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ૧૨ દિવસ દરમિયાન કોરોનાએ શહેરમાં ૧૭૪ વ્યક્તિઓની જીંદગીને હણી લીધી છે. આજે બપોરે સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના ૪૭ નવા પોઝિટિવ કેસો મળી આવ્યા હોવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે.
ગઈકાલે ૬૨ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આજ સુધીમાં શહેરમાં કુલ ૨૪૨૦ કેસ નોંધાયા છે. જે પૈકી ૧૨૬૦ લોકો કોરોનાને મહાત આપવામાં સફળ રહ્યાં છે. રિકવરી રેટ ૫૩.૧૧ ટકા છે. આજ સુધીમાં ૩૮૭૧૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. શહેરમાં પોઝિટિવીટી રેટ ૬.૧૨ ટકા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહાપાલિકાના ચોપડે આજ સુધી કોરોનાથી મોત પામનાર દર્દીઓની સંખ્યા ૫૫ નોંધાઈ છે.
માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિન-પ્રતિદિન સંક્રમણ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જેનાથી લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.