શનિ-રવિમાં ૧૫૦ પોઝિટિવ કેસ બાદ આજે વધુ ૩૫ કોરોનાગ્રસ્ત
ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રનાં પાટનગર સમાન રાજકોટમાં પણ કોરોના વધુ ક્રુર બન્યો હોય તેમ એક દિવસમાં જ વધુ ૧૫ દર્દીઓને ભરખી ગયો છે. રાજકોટમાં સેમ્પલીંગ ટેસ્ટનું પ્રમાણ વધારતા પોઝીટીવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. માત્ર શનિ-રવિ બે દિવસમાં જ ૧૫૦ જેટલા પોઝીટીવ કેસ નોંધાયા બાદ આજે વધુ ૩૫ કોરોનાગ્રસ્ત દર્દીઓ જાહેર થયા છે. શહેરમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૧૪૧૩ પર પહોંચી છે.
મેડિકલ અને સારવાર ક્ષેત્રે રાજકોટ સૌરાષ્ટ્ર માટે કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. કોરોનાની મહામારી સૌરાષ્ટ્રભરમાં વધતા જુદા-જુદા જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર લેવા માટે રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે ત્યારે રાજકોટમાં કોરોના વધુ ક્રુર બન્યો હોય તેમ એક જ દિવસમાં રાજકોટ અને અન્ય જિલ્લાઓનાં ૧૫ દર્દીઓને ભરખી ગયો હતો. રાજકોટનાં મોચીબજાર વિસ્તારનાં ભાનુબેન ઈસાભાઈ ભાડુલા (ઉ.વ.૬૦), રૈયા રોડ પર વૈશાલીનગરનાં છેલાભાઈ વજુભાઈ પરમાર (ઉ.વ.૬૧), વર્ધમાનનગરનાં રશ્મીકાંતભાઈ જમનભાઈ બારભાયા (ઉ.વ.૬૫), ફાલ્કન ફેમિલી કોલોનીનાં અશોકભાઈ નાનજીભાઈ સારીયા (ઉ.વ.૩૧), પરસાણાનગરનાં નિર્મળાબેન રમણીકભાઈ જાની (ઉ.વ.૭૪), કોઠારીયા રોડ પરના ભીખુભાઈ ડાયાભાઈ જોશી (ઉ.વ.૮૦), શ્રીરામનગરમાં રહેતા વિજયભાઈ વિઠ્ઠલદાસ સોલંકી (ઉ.વ.૭૫), અન્ય શહેરોનાં પડધરીનાં રાહીમાબેન ગનીભાઈ માંડલીયા (ઉ.વ.૬૫), ધ્રાંગધ્રાનાં દિલીપભાઈ ચંદ્રકાન્તભાઈ દવે (ઉ.વ.૬૦), ટંકારાનાં શૈલેષભાઈ જાદવભાઈ (ઉ.વ.૩૮), ગોંડલનાં હમીદાબેન કાસમભાઈ હાડા (ઉ.વ.૬૦), પડધરીનાં વિજયાબેન જયંતીભાઈ કામરીયા (ઉ.વ.૪૯), થાનગઢનાં કાથડભાઈ ધાંધલ (ઉ.વ.૬૦), ઉના તાલુકાનાં વીરાભાઈ રાજાભાઈ મકવાણા (ઉ.વ.૬૫) અને જસદણનાં દિવાળીબેન છગનભાઈ જોધાણી (ઉ.વ.૭૦) આજરોજ ચાલુ સારવારમાં કોરોના સામેનો જંગ હારી જતા મોત નિપજયા હતા. રાજકોટમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા પણ સતત વધતી રહે છે. શનિ-રવિ બે દિવસમાં ૧૫૦થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા બાદ પણ આજરોજ ફરી ૩૫ પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટમાં અત્યાર સુધી કુલ કેસની સંખ્યા ૧૪૧૩ ઉપર પહોંચી છે.
કોરોના ટેસ્ટીંગની સાથે પોઝિટિવ રેટ પણ વઘ્યો
રાજકોટમાં કોરોનાની મહામારી વધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિસ્થિતિનો તાગ મેળવવા આવ્યા ત્યારે રાજકોટમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવાની સુચના આપ્યા બાદ તંત્ર દ્વારા સેમ્પલ મેળવી ટેસ્ટીંગ કરવાનું પ્રમાણ વઘ્યું છે. આ સાથે પોઝીટીવીટી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શનિ-રવિ બે દિવસમાં જ ૧૫૦થી વધારે પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ સાથે દરરોજ ૫૦૦થી વધુ સેમ્પલીંગ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે ૬૧૪ સેમ્પલીંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૮૦ કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા અને પોઝીટીવીટી રેટ ૧૧.૯૩ નોંધાયો હતો જયારે તંત્ર દ્વારા વધુ ૪૨૨ સેમ્પલીંગ ટેસ્ટ કરતા ૩૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા પોઝીવીટી રેટ વધીને ૧૨.૨૪ પર પહોંચ્યો છે.