ઓક્સિજન પુરવઠો ન આવતા દર્દીઓને દાખલ કરી શકાયા નહોતા,
જો કે હવે ઓક્સિજન આવતા જ ટેસ્ટીંગ શરૂ થયું
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો થઈ રહ્યો છે. દર્દીઓને તાત્કાલીક બેડ કે ઓક્સિજન મળતા નથી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી જેની અતિ આવશ્યકપણે રાહ જોવામાં આવી રહી હતી તે કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે જ ઓક્સિજનનો જથ્થો આવી ગયો છે અને આજથી જ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાનું શરૂ થઈ ગયું છે. આજે સવારથી જ સિવિલ હોસ્પિટલમાં રેફરલ કરેલ 10 જેટલા દર્દીઓને યુનિવર્સિટીની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્ધવેન્શન બિલ્ડીંગમાં ઓક્સિજન બેડવાળી કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જો કે તેમાં ઓક્સિજન પુરવઠો ન આવતા અગાઉ દર્દીઓને દાખલ કરી શકાયા ન હતા. હવે ઓક્સિજનનો જથ્થો આવી જતાં દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઓક્સિજનનો પુરવઠો પુરો પાડી દેવામાં આવ્યો છે અને હાલ અન્ય ઓક્સિજનની પાઈપ લાઈનનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. આજે ટેસ્ટીંગ પૂરું થઈ જતાં જ તબક્કાવાર દર્દીને દાખલ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 50 જેટલા દર્દીને દાખલ કરાશે.
વધુમાં આજ સવારથી જ સિવિલ હોસ્પિટલમાં રેફરલ કરાયેલા 10 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. હજુ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે એટલે 2 થી 3 દિવસમાં સમગ્ર 200 બેડ કે જેમાં ઓક્સિજન પાઈપ લાઈન દ્વારા પુરતો જથ્થો ચાલુ થઈ જશે. હોસ્પિટલ શરૂ થતાં જ દાખલ દર્દીને દિવસમાં ચાર વાર સાઈકો થેરાપી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત દર્દી જે ધર્મના હશે તે ધર્મના ધર્મગુરૂ સાથે દર્દીને વિડિયો કોલમાં વાત કરાવવામાં આવશે. જે કોવિડ દર્દીઓમાં પોઝિટિવ એનર્જી ભરશે. આ સાથે જ ઓક્સિજન કે વેન્ટિલેટર પર રહ્યાં બાદ પણ હિંમત રાખી સાજા થયેલા દર્દીઓ સાથે હાલના કોરોના દર્દીઓને વાત કરાવવામાં આવશે અને દર્દી માનસિક મજબૂત બની કોરોનાને મહાત આપશે તેવા પ્રયાસો કરવામાં આવશે. અંતે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોવિડ હોસ્પિટલ આજથી શરૂ થઈ છે. છેલ્લા બે અઠવાડિયાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કલેકટર તંત્ર દ્વારા હોસ્પિટલ જલ્દીથી શરૂ થાય તે માટેના પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યાં હતા. આજે હવે ઓક્સિજનનો જથ્થો આવી જતા હોસ્પિટલ દર્દીથી ધમધમવા લાગી છે.