કોરોના મહામારીએ વિશ્વ આખાને હચમચાવી દીધું છે. કોઈ પણ દેશ આ ખતરનાક વાયરસના પ્રકોપથી બચી શક્યું નથી. કોરોના સામે રક્ષણ મેળવવા ઘણા પ્રકારની વેકસીન પણ આવી છે. આ બધાથી શું વિશ્વ કોરોના મુક્ત થઈ શકશે ? આવા સવાલોનો જવાબ આપતા અમેરિકાના નિષ્ણાંતએ કહ્યું કે, ‘કોરાનાને નાથવા આપણે તેના મૂળ સુધી જવું ખુબ જરૂરી છે.’
અમેરિકન મીડિયા કંપની બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, USના બે નિષ્ણાતોએ વાયરસની ઉત્પત્તિના મુદ્દે મોટી ચેતવણી આપી છે. નિષ્ણાંતોએ રવિવારે કહ્યું હતું કે, ‘કોવિડ -19ની ઉત્પત્તિ શોધી કાઢવી અને ભાવિ રોગચાળાના જોખમોને રોકવા માટે વિશ્વને ચીની સરકારના સહયોગની જરૂર છે. જો આના મૂળ શોધવામાં ના આવ્યા તો કોરોના મહામારી આપણો પીછો નહીં મૂકે અને આગામી સમયમાં કોવિડ -26 અને કોવિડ -32 પણ જોવા મળશે.’
સ્કોટ ગોટલીબે જણાવ્યું હતું કે, ‘વુહાનની પ્રયોગશાળામાં SARS-CoV-2 વાયરસ તૈયાર થયો છે કે કેમ તે શોધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વુહાન લેબમાંથી કોવિડ વાયરસ લિક થવાની પુષ્ટિ કરતી માહિતીમાં વધારો થયો છે. વળી, ચીને આ માહિતીને ખોટી સાબિત કરવા માટે પુરાવા આપ્યા નથી.’ ગોટલીબ યુએસ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર હતા. હવે તે ફાઈઝરના બોર્ડ સભ્ય છે.
ટેક્સાસમાં ચિલ્ડ્રન્સ હોસ્પિટલ સેન્ટર ફોર વેકસીન ડેવલપમેન્ટના સહ-ડિરેક્ટર પીટર હોયેટ્સ કહે છે કે, ‘વિશ્વને ખ્યાલ નથી કે જે રીતે કોરોના ફેલાઇ રહ્યો છે તે ભવિષ્યમાં રોગચાળોનું જોખમ વધારે છે.’ યુકે સરકારના સલાહકાર અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના ક્લિનિકલ માઇક્રોબાયોલોજીના પ્રોફેસર રવિ ગુપ્તાએ પણ ધ ટેલિગ્રાફને કહ્યું છે કે, ‘લેબ લિક થિયરીના તળિયે પહોંચ્યું નથી.આપણી પાસે સાચી માહિતીનો અભાવ છે.’
ચીન પર લાગેલા આરોપની તપાસ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ જાન્યુઆરીમાં એક ટીમને ચીન મોકલી હતી. પરંતુ ચીને સાચો ડેટા આપ્યો નથી. હવે ફરી એકવાર માંગણી કરવામાં આવી રહી છે કે ફરીથી તપાસ કરવામાં આવે.
અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, ‘યુન્નન ખાણના કામદારો બીમાર પડ્યા પછી, ચીનની વાઈરલોજિસ્ટની ચાર ટીમોએ ત્યાંથી સેમ્પલો લીધા હતા. તેમાં 9 વાયરસ મળ્યા હતા, જેને વુહાન લેબમાં મોકલવામાં આવ્યા હતા. આમાંની એક RaTG13 હતી જે SARS-CoV-2ની જેમ 96.2% હતી. મજૂરો માંથી મળી આવેલા વાયરસ અને કોરોના વાયરસ વચ્ચે માત્ર 15 મ્યુટેશનનું અંતર હતું.