અજ્ઞાનતા, બેવકૂફી કે બેખોફ?? કાળજી ન રાખનારાઓના લીધે કોરોના હજુ ભયાનક પરિણામો નોતરે તેવી ભીતિ
કોરોનાથી વધતો જતો મોતનો આંકડો ઘટાડવા રસીની સાથે સાવચેતી અનિવાર્ય: બીલ ગેટ્સ
કોરોનાને મ્હાત આપી આ મહામારીમાંથી ઉગરવા દરેક દેશો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. વિશ્ર્વના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસની બે લહેર પસાર થઈ ચૂકી છે. પ્રથમ તબકકાની સરખામણીએ કોરોનાનો બીજો તબકકો ભારત સહિત સમગ્ર વિશ્ર્વના દેશો માટે વધુ ઘાતક સાબિત થયો છે.ત્યારે હવે, આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો વધુ તોળાઈ રહ્યો છે. આને લઈ માઈક્રોસોફટનાં સંસ્થાપક બીલ ગેટસે પણ ચિંતા વ્યકત કરી છે. તાજેતરમાં તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આગામી ચાર મહિના કોરોના વધુ ‘કાતીલ’ બનશે. જેના પરિણામ સ્વરૂપ દર્દીઓનો મોતનો આંકડો અત્યારના આંકડાથી વધુ બે લાખ વધે તેવી શકયતા છે. લોકોને અપીલ કરતા બીલગેટેસે જણાવ્યું કે, આગામી ચારથી છ માસ વધુ કાળજી અને સાવચેતી રાખવી પડશે. અન્યથા ભયાનક પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને એક વષૅ જેટલો સમય વીતી ચૂકયો છે. તેમ છતાં આમાંથી છૂટકો મળ્યો નથી અને હજુ આગામી થોડા વર્ષો આ મહામારીમાથી છૂટકો સરળ રીતે મળી શકે તેમ નથી. સંક્રમણ ફેલાવા અંગે જાણે કોઈ ગંભીરતા ન હોય તેમ બેખૌફ લોકો બેવકૂફી દાખવી ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી રહ્યા છે, આને બેખોફ ગણવો કે બેવકૂફી?? ભારતની સ્થિતિની વાત કરીએ, તો ભારતમાં બીજા તબકકાનાં અંતમાં કોરોના કેસો એકંદરે ધપ્યા છે. પરંતુ તેની તીવ્રતા ઓછી આંકી શકાય નહિ જરા પણ ચૂક થઈ તો તેનો ભોગ અન્ય લોકો પણ બની શકે છે.
ભારતમાં કોરોનાના કેસ હિમશીલાની ટાચે જેવા
ભારતનાં કોરોનાના કેસોમાં ‘હિમશીલાની ટોચ’ જેવો ઘાટ ઘડાયો છે. એટલે કે જેમ હિમશીલા ઉંડી અને વ્યાપક જરૂર હોય છે. પણ તેની ટોચ ઉપરથી માત્ર જરાક અમથી જ લાગે છે. ભારતમાં પણ કોરોના પરિસ્થિતિ કંઈક આજ રીતે જોવાઈ રહી છે. ભારતમાં ૯૦% જેટલા કેસો રેકર્ડ પર આવતા નથી. સરકારી જે આંકડા જાહેર થાય છે, તે જાણકારી મુજબના છે. પરંતુ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એવા ઘણા લોકો છે કે જે કોરોના સંક્રમિતા થયા છતા જાહેર કરતા નથી અને ઘરગથ્થુ ઉપાયો કરવામાં જુટાઈ જાય છે. અથવા તો કોરોના વાયરસને ‘મામુલી’ ગણી તેને અવગણે છે. લોકોની આ માનસિકતાને પગલે જ કોરોના વકર્યો છે. કયાંકને કયાંક યોગ્ય સિસ્ટમની ખોટ છે. તો બીજી તરફ લોકોમાં જાગૃતતાનાં અભાવે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
સંપૂર્ણ કાળજીના અભાવે કોરોના કરતા અન્ય બિમારી વધુ ઘાતક
કોરોનાની જપેટમાં આવેલા લોકો બીકકે ડરના માર્યા સાવચેતી રાખી કોરોનામાંથી તો ઉગરી જાય છે. પરંતુ સંપૂર્ણ અને સચોટ કાળજીના અભાવને કારણે અન્ય બીમારીનો ભોગ બની જાય છે. જે દર્દીઓને હૃદય, ફેંફસા, અને કિડનીને લગતી બિમારીઓ હોય, અને કોરોનાના સંપર્કમાં આવ્યા હોય, તો તેઓ કોવિડ ૧૯ની ચુગલમાંથી તો હેમખેમ બચી જાય છે. પરંતુ તેમની જૂની બિમારી વધુ ઘાતક બની જાય છે. અને જીવ ગુમાવે છે. આજ કારણસર કોરોના આવતા હાર્ટએટેક, માનસિક અશાંતિના કેસો વધુ નોંધાઈ રહ્યા છે.