મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિતના અધિકારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય
મહાનગરોમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતા હવે મેડિકલના યુજી-પીજીના વિદ્યાર્થીઓ અને ઈન્ટર્ન ડોક્ટરોને ફરીથી કોવિડ ડયુટી સોંપવા આદેશ કરવામા આવ્યો છે. આ તમામને જિલ્લા કલેકટર અને મ્યુનિ. કમિશનર સમક્ષ હાજર થવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિતના અધિકારીઓની મીટિંગ મળી હતી. જેમાં રાજ્યની તમામ મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓને કોવિડ ડુયટી સોંપવા નિર્ણય લેવાયો હતો. વિવિધ મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટર્સ તેમજ સિનિયર સ્ટુડન્ટસને મ્યુનિસિપલ કમિશનર -જિલ્લા કલેકટર સમક્ષ તાત્કાલિક હાજર થવા આદેશ કરવામા આવ્યો છે.
એમબીબીએસ ઉપરાંત નર્સિંગ, ડેન્ટલ, ફીઝિયોથેરાપી અને આયુષના સિનિયર સ્ટુડન્ટસને કોવિડ ડયુટીમાં જોડવામા આવશે. જરૂર પડે જુનિયર સ્ડુટન્ટસને પણ કોવિડ કામગીરીમા જોડવા સૂચના અપાઈ છે.યુનિ.ઓ દ્વારા મેડિકલ કોલેજોના પ્રોફેસરો-ટીચિંગ સ્ટાફને અપાયેલ ઉનાળુ વેકેશન પણ હવે કેન્સલ કરાશે.એપ્રિલમા વિવિધ યુનિ.ઓ દ્વારા 15 દિવસથી લઈને એક મહિના સુધીની ઉનાળુ વેકેશન રજાઓ અપાઈ છે ત્યારે હવે સરકારની સૂચનાથી તમામ મેડિકલ કોલેજોના પ્રોફેસરો -તબીબી શિક્ષકો માટે ઉનાળુ વેકેશનની રજાઓ કેન્સલ કરાશે.
રાજ્યમાં છેલ્લા 15 દિવસથી જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. મુખ્ય શહેરોમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતા સરકાર તુરંત એલર્ટ થઈ ગઈ છે. કેસોમાં થયેલા વધારાને પહોંચી વળવા માટે હવે મેડિકલના યુજી-પીજીના વિદ્યાર્થીઓને ફરીથી કોવિડ ડયુટી સોંપવા આદેશ કરવામા
આવ્યો છે.