સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદ સમાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હવે તબીબો અને સ્ટાફના કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. ગઈ કાલે ફરી એકવાર સિવિલ હોસ્પિટલમાં કોરોનાએ ભરડો લેતા વધુ 10 તબીબ સહિત સ્ટાફના 50 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં કુલ 500 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ સંક્રમિત થયા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેમાં બાળકોના વિભાગના ડો. પંકજ બુચ અને 10 તબીબ સહિત 50 મેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ટ ડો. રાધાકૃષ્ણ ત્રિવેદીના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં સતત 24 કલાક દર્દીઓની સેવામાં તબીબી સ્ટાફ ખડેપગે છે. આવામાં દરરોજ કોઈને કોઈ તબીબ કે મેડિકલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યો છે જે ચિંતાનો વિષય છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 490 જેટલો સ્ટાફ સંક્રમિત થયો છે. જેમાં 175 તબીબો, 165 મેડિકલ સ્ટાફ અને હોસ્પિટલમાં ફરજ બજાવતા 150 જેટલા અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.
હાલ બીજી લહેરમાં પિક પોઇન્ટ સમયમાં છેલ્લા એક સપ્તાહમાં પરિસ્થિતિ ગંભીર બનતા રોજના 3થી 5 લોકોનો સ્ટાફ સંક્રમિત થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 4 દિવસ પૂર્વે રાજકોટ સિવિલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરના પતિનું કોરોનાથી અવસાન થયું હતું.
શહેરમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર રૂપ ધારણ કરી રહી છે. સામાન્ય લોકો હવે સંક્રમણની સાથે મૃત્યુદર પણ વધતા હવે ચિંતાનો વ્યાપ વધી રહ્યો છે. એક તરફ કોરોના સારવાર આપી રહેલા વોરિયર્સ પણ ઝપટે ચડી રહ્યા છે. આખો દિવસ દર્દીઓની સારવારમાં રહેતા ડોકટર અને નર્સિંગ સહિતના કર્મચારીઓ પણ પોઝિટિવ આવતા દર્દીઓની સારવારમાં પણ અસર થઈ રહી છે.