ભય વિના પ્રિત અધુરી
કોરોનાના નવા સ્ટ્રેનથી સમગ્ર વિશ્ર્વમાં ભય છવાયો છે. કોરોના વાયરસને નાથી વૈશ્ર્વિક મહામારીમાંથી છૂટકારો મેળવવા દરેક દેશની સરકારો સખત પ્રયાસો કરી રહી છે. ત્યારે કોવીડ ૧૯ વિરૂધ્ધ મહાસત્તા દેશ અમેરિકાએ મહાલડાઈ શરૂ કરી છે. જે અંતર્ગત ફકત એક જ અઠવાડિયામાં દસ લાખ અમેરિકીઓને રસી અપાઈ છે. અમેરિકાના ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન સેન્ટરનાં ડાયરેકટર રોબર્ટ રેડફોલ્ડના જણાવ્યા અનુસાર, આગામી એક મહિનામાં બે કરોડ લોકોને રસીનાં પ્રથમ ડોઝ આપવાની યોજના છે.
વર્ષ ૨૦૨૧ના પ્રથમ કવાર્ટરમાં ૧૦ કરોડ લોકોને રસી આપવાની યોજના
અમેરિકી સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર આગામી વર્ષ ૨૦૨૧ના પ્રથમ કવાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં ૧૦ કરોડ લોકોને રસી આપી દેવાની સરકારની યોજના છે. જયારે બીજા કવાર્ટર એપ્રીલથી જૂન સુધીમાં વધુ ૧૦ કરોડને રસીના ડોઝ અપાશે તેમ લક્ષ્યાંક છે. ગત અઠવાડિયે રસીનાં ૩૦ લાખ ડોઝ ડીલીવર કરાયા હતા ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ફાઈઝર અને બાયોએનટેકની રસીનાં ઉપયોગને મંજૂરી મળી ગઈ છે. જેના ડોઝ આપવાની શરૂઆત ગત અઠવાડિયેથી થઈ ગઈ છે.