જાસૂસી તંત્રને કલ્પનાતીત લપડાક: નિઝામુદીન મર્કજ બન્યો ભેદી લોકોનો અડ્ડો! અમિત શાહ-ડાભોલને અરધી રાતે કામે લગાડતી સનસનીખેજ ઘટના: તંત્રની ફિશિયારીઓની પોકળતા ઉઘાડી પડી જતાં દેશભરમાં અધ્ધરશ્ર્વાસે સત્તાધીશો !
આંગળી ચીંધી જાસૂસી તંત્ર અને સમગ્ર ઘટનામાં છાનગપતિયાં કરનારા મળતિયાઓને ઝડપી લઈ ભાંડો ફોડવાનો અને દેશની જનતાને જાણ કરવાનો ધર્મ બજાવવાની તંત્રની અને સંબંધિત સત્તાધીશોની જવાબદારી: રાષ્ટ્રદ્રોહ કક્ષાનો અપરાધ હોવાની આકરી ટકોર: સંસદ સભ્યો માત્ર જંગી વેતન અને ભથ્થાં લેવા માટે જ નથી એ પૂરવાર કરવાની આવેલી ઘડી: રામનવમીનાં ટાંકણે જ રામરાજય હજુ જોજન ને જોજન દૂર હોવાનું ઉપસેલું અતિ કરૂણ ચિત્ર: રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ! કોઈ પ્રજાસત્તાક દેશ આવી ગંભીર ગફલત ચલાવી લઈ શકે નહિ: કેન્દ્ર સરકારમાં બેઠેલાઓએ આત્મખોજ કરવાની ઘડી
રામનવમીના ટાંકણેજ, આપણા દેશમાં કોરોના વાયરસ-મહામારીના ફૂંફાડા ચાલુ છે. તેની સાથે સાથે જ તબલીગી જમાતનો અતિ ઝેરી અજગર કલ્પનાતીત રીતે ફૂટી નીકળ્યો એ આપણા દેશ માટે અને સમગ્રતંત્ર માટે અમંગળ એંધાણ છે એમ કહ્યા વિના છૂટકો નથી.
આ ઘટનાએ આખા દેશમાં જબરો સન્નાટો સજર્યો છે. એને લીધે આપણા જાસૂસી તંત્રનાં ગાલે લપડાક પડી છે. અને એનો ચહેરો કલંકિત બન્યો છે. એવી આશંકા પણ સેવાઈ રહી છે કે નિઝામુદીન મર્કજ ભેદી લોકોનો તેમજ ભેદી પ્રવૃત્તિઓનો અડ્ડો બન્યો છે.
દેશના ગૃહમંત્રી અને ચકોર રાજનેતા લેખાતા અમિત શાહ અને દેશના સુરક્ષા-સલાહકાર ડાભોલને અરધી રાત્રે કામે લાગવું પડયું એવી આ દુર્ઘટનાએ જોત જોતામાં આખા દેશને ચોંકાવી દીધો એ વાત એની ગંભીરતા દાખવે છે, અને તંત્રની ફિશિયારીઓની પોકળતા છતી કરી છે. અને દેશભરમાં સત્તાધીશોને અધ્ધરશ્ર્વાસે કરી દીધા છે.
ચાણકયે તો એટલે સુધી કહ્યું છે કે, જે દેશમાં જાસૂસી તંત્ર કમજોર હોય એ દેશને કોઈ હરાવી શકે અને જે દેશની પાસે જાસૂસી તંત્ર પૂરેપૂરૂ સક્ષમ અને શકિતવાન હોયતે દેશ તેના હરીફને હરાવી દઈ શકે !
આપણા દેશે તબલીગી જમાત અને નિજામુદીન મર્કજની સનસનીખેજ ઘટનાઓ અંગેની નિષ્ણાંતો દ્વારા થતી ઉંડી તપાસમાં જાસૂસી તંત્રની કમજોરી અર્થાત ગુપ્તચરતંત્રની ઉપેક્ષાવૃત્તિ બહાર આવે તો એને અતિ ગંભીર બાબતો ગણીને યુધ્ધના ધોરણે તાકીદનાં પગલા લેવા ઘટે અને એમાં જે કાંઈ ઉણપ કે કચાસ બહાર ઓવે તો તેને સારી પેઠે ઠીકઠાક કરી લેવી જ ઘટે.
આપણામાં એક કહેવત છે કે, ડોસી મરી જાય તેતો ઠીક, પણ જમ ઘર ભાળી જાય એવું ન થવા દેવાય !
આ વાત આ દુર્ઘટના સાથે સંકળાયેલા તમામ સતાધીશોને, અને અમિત શાહને અને ડાભોલને અને મોદી સરકારમાં બેઠેલા સહુને લાગૂ પડે છે. અને એક સરખી લાગૂ પડે છે.
આપણો દેશ બોળીબામણીનું ખેતર છે, કે જેનું કોઈ ધણી-ધોરી નથી એવો કશાજ શાસન વગરનો, જંગલ જેવો દેશ છે, એવી છાપ કે કોરોના વાયરસના કહેરથી હાંફી ગયો હોય એવી છાપ ન જ પડવા દેવી ઘટે.
કોરોના-વાયરસના અતિ ઝેરી ફૂંફાળા ચાલુ જ છે. એ વખતે જ કોઈક ષડયંત્ર હોય, પ્રપંચ હોય, કપટ બાજી હોય તેમ તબલીગી જમાત-નિઝામુદ્દીન મર્કજની સનસનીખેજ ઘટના, કોઈ આતંકી ગ્રુપની ચઢાઈની જેમ આવી પડી છે. આને લીધે આખો દેશ હચમચ્યો છે. એનાં ગંભીર પરિણામો આવી શકે તેમ છે. એનું પૂનરાવર્તન ન થાય એ માટે સાવધાની અનિવાર્ય બનશે ખાલી એલર્ટ જ નહિ, રેડ એલર્ટ !
આ બધું વિચારતી વખતે આપણા તંત્ર વાહકોએ આપણાં ગામડાઓ-ગ્રામ્ય પ્રદેશોની પરિસ્થિતિ પ્રત્યે પૂરેપૂરૂ લક્ષ્ય આપવાનું રહેજ… આપણા દેશની વસતિ માત્ર શહેરોમાં જ નથી. મોટે ભાગે
ગામડાઓમાં જ છે. એની પાસે ટાંચા સાધનો છે, સરળ કનેકટીવીટી નથી એમની હાલત વિકટ નહિ હોય એવું માની લઈને આપણે ન જ ચાલી શકીએ.
ગામડાઓનું અર્થતંત્ર જયાં સુધી સરખું પાટે નહિ ચડે અને ગ્રામ્ય પ્રજાની ગતિવિધિઓ પૂરેપૂરી સંચલિત ન થાય ત્યાં સુધી શહેરોનાં નગરજનો પૂન: પૂર્વવત જંપી શકશે કે કેમ,એ જેવો તેવો કોયડો નથી. આપણા દેશના શહેરોની સાથે આપણા દેશના ગામડાઓમાં પણ પૂર્વવત સંચલન અનિવાર્ય બને છે.
કોરોના વાયરસ પૂર્વેના ભારતને તેને વેઠવી પડેલી ખાનાખરાબીમંથી બહાર કાઢવાનું જેટલું અનિવાર્ય છે, એટલું જ અનિવાર્ય તેને લોકડાઉનને કારણે બદલેલી પરિસ્થિતિમાંથીબહાર કાઢીને તેના આર્થિક, સામાજીક, વ્યાપારી, વ્યવસાયી તેમજ માનવજીવનને સાંકળતા તમામ વ્યવહારો પૂર્વવત, પૂન: સંચલિત કરવાનું પણ અનિવાર્ય છે.
કોઈપણ સિસ્ટમને બગાડવામાં કે બદલવામાં જેટલી વાર લાગતી નથી એનાથી વધારે વખત એને ફરી ઠીક ઠાક કરી લેવામાંલાગે છે.
આપણા શહેરોમાં, નગરોમાં અને ગ્રામ્ય પ્રદેશો તથા ગ્રામ્ય જીવનને ફરી પૂર્વવત, ધમધમતાં કરી લેશું ત્યારે જ આપણુ મીશન પૂરૂ થયું લેખાશે. એમાં વેગ લાવવાનું કૌશલ્ય આપણા શાસકોએ દાખવવું પડશે.