અત્યાર સુધી દીવ કોરોનાવાઈરસના સંક્રમણથી સુરક્ષિત રહેલું છે. હજુ સુધી દીવની અંદર એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રશાસન દ્વારા જે સૂચનો આપવામાં આવે છે તેનું દીવના લોકો પણ ગંભીરતાપૂર્વક પાલન કરે છે. આ રીતે પ્રશાસન અને લોકોના સંયુક્ત પ્રયત્નથી દીવ ગ્રીન ઝોનમાં રહેલું છે પરંતુ હાલનું ચિત્ર બદલાયેલું છે. કારણકે હવે દીવથી નજીકના ગામોમાં રોજના પોઝિટિવ કેસોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. બે દિવસ પહેલાં ઉના અને દેલવાડામાં કોરોનાના કુલ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા. ત્યારબાદ એક કેસ નવા બંદર ખાતે નોંધાયો હતો.
જોકે એ બાબત ખાસ નોંધનીય છે કે જે પોઝીટીવ કેસો આવ્યા છે તેમાં જે લોકો બહારથી એટલે કે અમદાવાદ મહારાષ્ટ્ર અને સુરતથી આવેલા છે. તે લોકોનો કોરોના પોઝિટિવ આવેલો છે. મહારાષ્ટ્રથી બે યુવાનો બાઈક ઉપર ઉના આવ્યા હતા જેમાંથી એક યુવાન નવાબંદર અને બીજો યુવાન ઉનાની બાજુના સીમર ગામનો છે. આ બન્ને યુવાનોને કોરોનટાઇન કરવામાં આવ્યા હતા. જેમાં નવાબંદર વાળા યુવાનો બે દિવસ પહેલા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. અને આજે તેમની સાથે આવેલા બીજા ૨૮ વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી હાલ આસપાસના તમામ વિસ્તારોના લોકોમાં પણ ભયની લાગણી છવાયેલી છે.
દીવ પ્રશાસન દ્વારા આ બાબતે આગમચેતીના ભાગરૂપે અનેક પગલાં લેવામાં આવ્યા છે જેમાં દીવની બંને ચેકપોસ્ટ પરની અવરજવર હાલ બંધ કરવા આવી છે. દીવમાં મોટાભાગે દેલવાડા અને ઉના માંથી શાકભાજી વેચવા માટે વેપારીઓ આવતા હોય છે. એમને હવે માત્ર અઠવાડિયામાં ત્રણ દિવસ દીવમાં શાકભાજી વેચવા દેવામાં આવશે. આ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને દીવમાં પ્રવેશ કરવા માટે અગાઉથી જ દીવ કલેક્ટરની મંજૂરી લેવી પડશે.
દીવના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દીવ પ્રશાસન દ્વારા લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણયની દીવની જનતા એ પણ આવકાર્યો છે અને ખૂબ જ પ્રશંસા પણ કરે છે કારણકે દીવની ખૂબ જ નજીક કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે દીવમાં પણ કોરોના સંક્રમણ થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે.