જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં શહેરમાં કોરોના વેક્સિનનું આગમન થાય તેવી સંભાવના: રાજ્ય સરકારની સુચના બાદ કોર્પોરેશને સરકારી
અને ખાનગી ડોકટર તથા પેરા મેડિકલ સ્ટાફનું લીસ્ટ તૈયાર કર્યું: બીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના લોકોને કોરોનાથી સુરક્ષીત કરાશે
વૈશ્ર્વિક મહામારી કોરોના છેલ્લા એક વર્ષથી વિશ્ર્વભરમાં કોહરામ મચાવી રહ્યો છે. ચાલુ સપ્તાહે જ વિશ્ર્વમાં કોરોનાની પ્રથમ વેકસીનને બ્રિટનમાં મંજૂરી મળ્યા બાદ ભારતમાં પણ 3 દેશી વેકસીન પર ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. વેક્સિન અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં પ્રથમ તબક્કામાં સરકારી, કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અને ખાનગી તબીબો તથા પેરા મેડિકલ સ્ટાફના 13169 લોકોને કોરોનાની વેકસીન આપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને પખવાડીયા પૂર્વે એવો આદેશ આપવામાં આવ્યો હતો કે, પ્રથમ તબક્કામાં ડોકટર તથા પેરા મેડિકલ સ્ટાફને કોરોનાની રસી આપવામાં આવનાર છે. રાજકોટમાં સરકારી તથા ખાનગી તબીબો અને પેરા મેડિકલ સ્ટાફની યાદી તૈયાર કરવી જે અંતર્ગત કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા એક યાદી તૈયાર કરી સરકારને મોકલવામાં આવી છે. જેમાં શહેરમાં 4655 સરકારી ડોકટર અને પેરા મેડિકલ સ્ટાફ તથા 8514 ખાનગી ડોકટર અને પેરા મેડિકલ સ્ટાફની નામાવલી કોરોના વેકસીન માટે સરકારને રવાના કરી દેવામાં આવી છે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાથી સુરક્ષીત કરવા રસીકરણ કરવામાં આવનાર છે. જે માટે કોર્પોરેશન દ્વારા હવે 50 વર્ષથી વધુ વયના લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ માટે મતદાર યાદીની મદદ લેવામાં આવી રહી છે.કોર્પોરેશનના વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરમાં જાન્યુઆરી માસ કે ફેબ્રુઆરી માસમાં કોરોનાની રસી આવી પહોંચશે અને વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આરોગ્ય કેન્દ્ર કે વોર્ડ ઓફિસેથી વેક્સિનેશનનું કામ શરૂ કરવું તે અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ એક વાત ફાઈનલ છે કે હવે કોરોનાનો કાળ એટલે કે વેક્સિન ખુબજ નજીક છે. ખુબજ ટૂંક સમયમાં વડાપ્રધાન દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવશે.