કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ સહિતના લોકોએ વેક્સિનના પ્રિકોશન ડોઝ લીધા

 

અબતક, રાજકોટ

આજથી દેશભરમાં હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને કોમોર્બીડીટી ધરાવતા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને કોરોના સામે રક્ષણ આપવા માટે વેક્સીનનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. બપોર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ અને મેયરના પી.એ. કનુભાઇ હિંડોચા સહિત 1662 લોકોને પ્રિકોશન ડોઝ આપી દેવામાં આવ્યો હતો.

કોર્પોરેશન દ્વારા આજે નાના મવા ચોક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ ઉપરાંત કોમોર્બીડિટી ધરાવતા 60 વર્ષ કે તેથી વધુ વર્ષની ઉંમરના  સિનિયર સિટિઝનોને કોવિડની પ્રિકોશનરી વેકસીન આપવા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ તેમજ ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, આરોગ્ય કમીટીના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડિયા, ડે. કમિશનર આશિષ કુમાર, એ.આર.સિંહ, આરોગ્ય અધિકારી ડો. લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ વગેરે ઉપસ્થિત રહેશે.

આ અવસરે મેયર ડો. પ્રદિપ ડવે જણાવેલ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 3 જાન્યુઆરીના રોજ 15 થી 18 વર્ષની વયના બાળકોને તેમજ તા. 10 જાન્યુઆરીથી હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ તથા કોમોર્બીડિટી  ધરાવતા 60 વર્ષ કે વધુ ઉંમરના લોકોને કોવિડની પ્રિકોશનરી વેકસીન આપવાનો નિર્ણય કરેલ જે આવકાર્ય છે. કોરોનાની સામે વેક્સિન રામબાણ ઈલાજ છે. જેથી સંબંધિત તમામે આ ત્રીજો ડોઝ લેવા મેયરએ અપીલ કરી હતી.

આજથી મહાપાલિકા દ્વારા 21 આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ તેમજ વોર્ડ નં. 2 માં ચાણક્ય સ્કૂલ, વોર્ડ નં. 10માં શિવ શક્તિ સ્કૂલ, વોર્ડ નં. 8 સિટી સિવિક સેન્ટર સહિત મ્યુનિ. કચેરીના ત્રણેય ઝોનમાં વેક્સિન આપવામાં આવી રહી છે. બપોર સુધીમાં 1662ને ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોશન કોવિડ વેકસીન આપવામાં આવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.