કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ ૧૫ સ્થળોએ વેક્સિનેશન આપવાનું શરૂ કરાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગત ૧૬મી જાન્યુઆરીથી દેશભરમાં કોરોના વેક્સિનેશનનો આરંભ કરી દેવામાં આવ્યો છે. અગાઉ અલગ અલગ ત્રણ તબક્કાઓમાં મહાપાલિકા દ્વારા છ સેન્ટરો પરથી કોરોના વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવતી હતી. દરમિયાન આજથી વેક્સિનેશન ઝુંબેશે વેગ પકડ્યો છે અને ૧૫ સ્થળોએથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. બપોર સુધીમાં ૫૪૬ હેલ્થ વર્કરોને રસી આપી સુરક્ષીત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. કોર્પોરેશન દ્વારા અગાઉ ૩ તબક્કામાં છ સેન્ટરો ખાતેથી વેકસીન આપવામાં આવતી હતી.
દરમિયાન આજથી સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ ૩ બુથ, પંચનાથ હોસ્પિટલ, જયનાથ હોસ્પિટલ, ગુરૂકુળ હોસ્પિટલ, સીનર્જી હોસ્પિટલ, સ્ટર્લીંગ હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, ગીરીરાજ હોસ્પિટલ, બી.ટી. સવાણી હોસ્પિટલ, કામદાર વીમા રાજ્ય હોસ્પિટલ, કુવાડવા રોડ પર ગોકુલ હોસ્પિટલ, પ્રણામી હોસ્પિટલ અને વિદ્યાનગર મેઈન રોડ પર ગોકુલ હોસ્પિટલ ખાતેથી આજે વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બપોર સુધીમાં ૫૪૬ હેલ્થવર્કરોને કોરોનાની વેકસીન આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ચાર તબક્કામાં કુલ ૨૦૦૦થી વધુ લોકોને વેકસીન આપી સુરક્ષીત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા પર્યાપ્ત માત્રામાં કોરોના વેકસીનનો જથ્થો પુરો પાડવામાં આવે તો કોર્પોરેશન એક સાથે ૧૫૫ સ્થળેથી વેક્સિનેશન શરૂ કરી શકે તેવી તૈયારી રાખવામાં આવી છે. પ્રથમ તબક્કે રાજકોટને ૧૬૫૦૦ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે અને હાલ હેલ્થવર્કરોને વેકસીન આપવાનું શરૂ કરાયું છે. સરકારની નવી ગાઈડ લાઈન આવ્યા બાદ બીજા લોકોને વેકસીન આપવાનું શરૂ કરાશે.