જનતા કફર્યુ ભવિષ્યના લોકડાઉન માટેનો ટ્રાયલ બોલ: ૧૫-૧૫ દિવસના ગાળે લોકડાઉન થશે તેવી ચર્ચાએ જોર પકડયું: સંક્રમણના કેસ મુદ્દે વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા ચોંકાવનારા
દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. છેલ્લા ૧૦ દિવસમાં કોરોના વાયરસના કારણે મોતની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયે અખબારોમાં પ્રકાશિત થતાં આંકડા તો સરકારી છે. સંક્રમણથી મોતના આંકડા વધુ હોવાની વાતો લોકોમાં ચર્ચાઈ રહી છે. આવતીકાલે વડાપ્રધાન મોદીએ જનતા કફર્યુ પાળવાનું આહવાન કર્યું છે. જો કે વડાપ્રધાન મોદીનું જનતા કફર્યુનું આહવાન લોકડાઉન માટેનો ટ્રાયલ બોલ હોય તેવું ફલીત થઈ રહ્યું છે. વાસ્તવમાં ડબલ્યુએચઓ દ્વારા ભારતમાં અગાઉ ૧લી એપ્રિલ સુધીમાં પરિસ્થિતિ થાળે પાડવા લોકડાઉન કરવાનું સુચન કર્યું હતું. જો કે, હવે સ્થિતિ કથળી જતાં આ લોકડાઉન જુન સુધી થાય તેવી ધારણા છે. કોરોના વાયરસના કારણે સરકાર સચેત છે. જો કે, ફેબ્રુઆરી અને માર્ચમાં ભારતના પ્રવાસ માટે આવેલા અનેક વિદેશી પ્રવાસીઓનું ચેકિંગ થયું નહોતું. ઉપરાંત કેટલાક પ્રવાસીઓ ચેકિંગ વગર નાસી છુટયા હતા. પરિણામે ઉદયપુર, જયપુર જેવા રાજસ્થાનના પર્યટન સ્થળોની સાથો સાથ ભારતભરના પર્યટન સ્થળોએ અનેક વિદેશી પ્રવાસીઓના કારણે લોકોને ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડબલ્યુએચઓના ભારતના ડાયરેકટરે કથળેલી સ્થિતિ અંગે અગાઉ પણ ચિંતા કરી હતી. સરકારને લોકડાઉન પાળવાનું સુચન આપ્યું હતું. અલબત સરકારે તુરંત લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો નથી. જો એકાએક લોકડાઉન કરવામાં આવશે તો લોકોમાં અફરા-તફરી મચી જશે તેવી દહેશત સરકારને છે. જેના કારણે સરકારે પહેલા એક દિવસનો જનતા કફર્યુનો નિર્ણય લીધો છે ત્યારબાદ ૧૫ એપ્રીલ અને ત્યારબાદ ૧૫-૧૫ દિવસના ગાળે લોકડાઉન લાદવામાં આવે તેવી ધારણા છે. અલબત આ માત્ર લોક મોઢે ચર્ચાતી વાતો છે. લોકો લોકડાઉનની દહેશતના પગલે બેંકોમાંથી નાણા ઉપાડવા લાગ્યા છે. ફલોર મીલ અને જનરલ સ્ટોર્સ પર લોકોની કતારો લાગી છે.
કોરોના વાયરસ સામાન્ય રીતે મોટી ઉમરના લોકોને નુકશાન પહોંચાડે છે. ૧ થી ૧૦ વર્ષના બાળકોમાં કોરોનાનો મૃત્યુઆંક ૦ ટકા છે. માટે ઘરના વડીલોને સંક્રમણથી બચાવવા વધુને વધુ તકેદારી રાખવી જોઈએ તેવો મત આરોગ્ય સંસ્થાઓ કરી રહી છે.
ચીન અને ઈટાલી જેવા દેશોમાં મેડિકલ ક્ષેત્રએ અનેકગણો વિકાસ કર્યો છે. જો કે, ભારત આ વિકાસથી ક્યાંય પછાત છે. ચીન અને ઈટાલીમાં વેન્ટીલેટર સહિતની સુવિધાનું પ્રમાણ ભારત કરતા ઘણુ વધુ છે. છતાં પણ આ દેશોમાં કોરોના વાયરસે મચાવેલી તબાહી ચિંતાનો વિષય છે ત્યારે ભારતમાં વેન્ટીલેટર જેવી સુવિધાનું પ્રમાણ ખુબજ ઓછું હોય લોકોની સારવાર કઈ રીતે થશે તે અંગે લોકોમાં દહેશત છે. ઈટાલીમાં યુદ્ધના ધોરણે કરવામાં આવેલી સારવારમાં યુવાનોને જ પ્રાથમિકતા અપાતી હતી. વૃદ્ધોને ભગવાન ભરોસે છોડી દેવાયા હતા. જે બચી શકે તેમ હોય તેની પાછળ જ સમય વેડફાયો હતો. આવી હાલત ભારતની પણ થઈ શકે છે.