નવા સ્ટ્રેનનો વૈશ્વિક હાહાકાર: નવેસરથી લોકડાઉનની ઉભી થયેલી પરિસ્થિતિથી જગત ચિંતાતુુર
સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા સ્ટ્રેનના વાયરા અને વધતા જતા કેસની સૌથી વધુ અસર યુરોપમાં થઈ રહી હોય તેમ ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન દ્વારા રાષ્ટ્રીય લોકડાઉન અને શૈક્ષણિક સંકુલો અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે. ફ્રાંસ માટે આ બીજો નહીં પણ ત્રીજો વાયરો વધુ જોખમી અને વધુ ઘાતક બની રહે તેવી આશંકાઓ ઉભી થઈ છે. ફ્રાંસમાં વધી રહેલા મૃત્યુદરના પગલે રાષ્ટ્રપતિએ દેશમાં કોરોનાને કાબુમાં લઈ કથળતા જતા અર્થતંત્રને કોઈપણ સંજોગોમાં બચાવી લેવા કાર્યવાહી શરૂ કરી છે. મેક્રોને જણાવ્યું હતું કે, અમે મહામારી પરનો કાબુ ગુમાવી દેશું જો કંઈક નહીં કરીએ તો. મેક્રોને ટીવીમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં રાષ્ટ્રજોગ પ્રવચન જેવા લોકડાઉનની જાહેરાતમાં લોકોને સચેટ બની પેરિસ સહિતના મોટા શહેરો અને ઉત્તર અને દક્ષિણ પ્રાંત સહિત સમગ્ર દેશમાં એકાદ મહિનાનું લોકડાઉન આવી પડશે. આગામી શનિવારથી લોકડાઉનના અમલ પૂર્વે લોકોને સલામત સ્થળે પહોંચી જવા આહવાન કર્યું છે. 43 વર્ષના રાષ્ટ્રપ્રમુખ મેક્રોને અત્યાર સુધી તબકકાવાર ત્રણ લોકડાઉનની જાહેરાત કરી હતી. શાળા-કોલેજો બંધ કરવાના નિર્ણય પાછળ વિદ્યાર્થીની સુરક્ષા આવશ્યક હોવાનું જણાવી વિદ્યાર્થીઓ માટે બે-ત્રણ અઠવાડિયાનું મીની વેકેશન જાહેર કરી દીધું છે. બાલમંદિરથી લઈને શાળા-કોલેજો સુધીનું તમામ શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. ફ્રાંસમાં ફેબ્રુઆરી સુધીમાં 40 હજાર જેટલા નવા દર્દીઓ નોંધાઈ રહ્યા હતા હવે તેમાં બેવડો ઉમેરો થયો છે. સરકારી હોસ્પિટલોને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 10 હજાર સુધીની ક્ષમતાના બેડ તૈયાર રાખ્યા છે. ફ્રાંસ માટે આ નવું લોકડાઉન આર્થિક પડકારોનું કારણ બનશે પરંતુ અત્યારે ફ્રાંસમાં જે રીતે નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જોતા લોકડાઉન અનિવાર્ય છે.