સૌરાષ્ટ્રમાં વધુ ૩૭૨ કોરોના પોઝિટિવ કેસ રાજકોટ જિલ્લામાં ૧૦૮ કોરોનાગ્રસ્ત
સૌરાષ્ટ્રમાં અને તેમાં પણ રાજકોટમાં કોરોના બેફામ બન્યો છે. બે દિવસમાં રાજકોટની જુદી જુદી હોસ્પિટલમાં વધુ ૨૨ દર્દીઓના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા હર રોજ એક નવી ટોચ પામી રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં વધુ ૩૭૨ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજકોટમાં કોરોના વાયરસ દિન પ્રતિદિન બેફામ બનતો હોય તેમ શહેરની જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં રાજકોટ શહેરના ૧૨ સહિત કુલ ૨૨ દર્દીઓના મોત નિપજ્યા છે. જયારે ગઈ કાલે શહેરમાં વધુ ૬૦ અને ગ્રામ્યમાં ૪૮ મળી કુલ જિલ્લામાં ૧૦૮ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. રાજકોટ સહિત પોરબંદર, ધોરાજી, ગોંડલ અને સુરેન્દ્રનગર સહિતના દર્દીઓના મોત નિપજ્યા છે.
રાજકોટમાં ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં એમ.એડની પરીક્ષા આપતી વિદ્યાર્થિનીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ૧૬ વિદ્યાર્થીની અને સુપર વાઇઝરને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. અને કોરોનાગ્રસ્ત વિદ્યાર્થિનીને રૂ. ૧ લાખ સુધીની સારવાર યુનિવર્સિટી આપશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.
ગોંડલ તાલુકામાં પણ કોરોનાના વધુ ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ ૨ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે પડધરી તાલુકામાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. ગઈ કાલે વધુ ૫ કોરોના કેસ નોંધાયા છે. અનલોક ૩ અને તહેવારની આવતાની સાથે કોરોના વિસ્ફોટ થવાની ભીતિ સેવાઇ રહી છે.
સૌરાષ્ટ્રમાં પણ કોરોના હર રોજ સર્વોચ્ચ ટોચ પર પહોંચી રહ્યો છે. એક દિવસમાં રેકોર્ડબ્રેક ૩૭૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જામનગરમાં ૬૯, અમરેલી જિલ્લામાં વધુ ૩૫ કોરોના પોઝિટિવ, ગીર સોમનાથમાં ૩૨ અને જૂનાગઢ જિલ્લામાં ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.