રાજકોટ શહેર અને જિલ્લામાં 13 સહિત રાજ્યમાં નવા 119 કેસ: એક્ટિવ કેસ 435
ગુજરાતમાં કોરોના ફરી ભૂરાયો થયો છે. 115 દિવસના લાંબા અંતરાલ બાદ રાજ્યમાં કોરોના 100થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ કોરોના કેપિટલ બની ગયુ હોય તેમ 60 ટકા કેસ માત્ર અમદાવાદમાં નોંધાય રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં નવા 13 કેસ મળી આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 435એ પહોંચી જવા પામ્યો છે.
ગુરૂવારે ગુજરાતમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા હતાં. જેમાં અમદાવાદમાં 63 કેસ, સુરતમાં 13 કેસ, રાજકોટ શહેરમાં 10 કેસ, રાજકોટ જિલ્લામાં 3 કેસ, મહેસાણામાં નવા નવ કેસ, વડોદરા અને અમદાવાદમાં ચાર-ચાર કેસ, ભાવનગર અને આણંદમાં 3-3 કેસ, ગાંધીનગર, સાંબરકાંઠા અને ભરૂચમાં બબ્બે કેસ, નવસારી અને પોરબંદરમાં એક-એક કેસ નોંધાયા છે. 115 દિવસ બાદ રાજ્યમાં કોવિડના 100થી વધુ કેસ મળી આવ્યા છે. હાલ ચાર દર્દીઓ વેન્ટીલેટર પર છે. એક્ટિવ કેસનો આંક 435એ પહોંચી ગયા છે.
રાજકોટ શહેરમાં ગઇકાલે કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે. 14 વર્ષીય કિશોરથી માંડી 70 વર્ષીય મહિલા સહિતના શહેરીજનો કોરોના સંક્રમીત થયા છે. માર્ચ માસમાં શહેરમાં 33 કેસ નોંધાયા છે. સતત વધી રહેલા સંક્રમણના પગલે કોર્પોરેશનનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. ટ્રેકીંગ અને ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના કેસમાં ફરી ઉછાળો જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. જેમાં જરૂરી દવાઓથી માંડી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર સુધીની તમામ વ્યવસ્થાઓ ચકાસવામાં આવી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં બાળકોથી માંડી વૃદ્ધા સુધીની વયના લોકો કોરોનામાં સપડાયા છે. તો બીજી તરફ શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ અને રીપોર્ટની પ્રક્રિયામાં પણ વધારો કરવામાં આવ્યો છે.