સંક્રમણની સાથે મૃત્યુદર પણ વધ્યો: એક દિવસમાં વાયરસે એક ડઝન દર્દીઓના ભોગ લીધા
સૌરાષ્ટ્રમાં પણ કોરોના સર્વોચ્ચ સપાટીએ: રાજકોટ જિલ્લામાં ૧૩૮૬ સહિત કુલ આંક ૩૦૦૦ને પાર

અબતક-રાજકોટ

ગુજરાતમાં કોરોનાની જાણે સુનામી આવી હોય તેમ ગઈ કાલે એક જ દિવસમાં ૨૦,૯૬૬ કેસ પોઝિટિવ આવ્યા છે. તો સંક્રમણ સાથે હોવી મૃત્યુદર પણ વધતા એક દિવસમાં ૧૨ લોકોના મોત નિપજ્યા છે. તો સૌરાષ્ટ્રમાં પણ કોરોના બેફામ વધી રહેતા ગઈ કાલે રાજકોટ જિલ્લામાં ૧૩૮૬ કેસ સહિત કુલ આંક ૩૦૦૦ને પાર પહોંચ્યો છે.

ગુજરાતમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચૂકી છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર ૨૦,૯૬૬ કેસ નોંધાયા છે. આમ કોરોનાના નવા કેસ નોંધાવવા બાબતે તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ દર્દીઓ મોત થયા છે અને ૯,૮૨૮ દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ મુંબઈથી ડબલ થઈને ૯૦,૦૦૦ને પાર થયાં છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ૯,૭૭,૦૭૮ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦,૧૮૬ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૯૦,૭૨૬ એક્ટિવ કેસ છે, જેમાંથી ૧૨૫ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૯૦,૬૦૧ દર્દીની હાલત સ્થિર છે.

તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ કોરોના કહેર વર્તાઈ રહ્યો છે. જેમાં એક દિવસમાં કુલ કેસનો આંક ૩૦૦૦ને પાર પહોંચ્યો છે. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં ૧૩૮૬ લોકો કોરોના સંક્રમિત થયા છે. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ ૧૦૦૦ કરતા વધુ આવ્યા છે. મંગળવારે ૧૩૩૬ બાદ બુધવારે ૧૨૫૯ કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા ૪૭૩૨ થઈ છે. તેમજ એક્ટિવ કેસ કે જે બીજી લહેરમાં સૌથી વધુ ૫૧૦૦ સુધી પહોંચ્યા હતા તેનો પણ રેકોર્ડ તૂટી જશે આ રીતે એક જ સપ્તાહમાં સૌથી વધુ કેસ અને સૌથી વધુ એક્ટિવ કેસ એમ બે રેકોર્ડ તૂટશે. રાહતની વાત એ છે કે, બીજી લહેરની સરખામણીમાં હોસ્પિટલાઈઝેશન અત્યંત ઓછું છે અને મૃત્યુદર પણ નહિવત જણાઈ રહ્યો છે.

ઉચ્ચ અધિકારીઓ પણ કોરોનાના ચક્રવ્યૂમાં સપડાયા

ડીવાયએસપી, રાજકોટ ડીસીપી ઝોન-૧, જીલ્લા પુરવઠા અધીકારી , ગોંડલ અને ધોરાજીનાં મામલતદાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ર સીન્ડીકેટ સભ્ય કોરોના પોઝીટીવ આવ્યા છે.

રાજકોટ શહેર -ગ્રામ્ય અને મોરબી જીલ્લામાં કોરોનાનો વીસ્ફોટ થયો છે. જેમાં રાજકોટ શહેરમાં ૧રપ૯ અને ગ્રામ્યમાં ૧ર૭ જયારે મોરબીમાં નવા ર૬પ કેસો નોંધાયા છે.

રાજકોટ શહેરમાં જેટ ગતીએ કોરોનાનાં કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજકોટ આઇબીનાં ડીવાયએસપી, જીલ્લા પુરવઠા અધીકારી પ્રકાશ માંગુડા, ગોંડલ અને ધોરાજીનાં મામલતદાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ર સીન્ડીકેટ સભ્ય અને વિધાર્થી કોરોના સંક્રમીત થયા છે.જયારે મ્યુનિ. કમીશનર અમીત અરોરાની તબીયત પણ લથડી છે. પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રાજકોટ શહેરમાં ૧રપ૯ કેસ , જીલ્લામાં ૧ર૭ કેસ જેમાં જેતપુરમાં , ધોરાજીમાં , ગોંડલમાં , ઉપલેટામાં , રાજકોટ ગ્રામ્યમાં, જસદણમાં કેસ નોંધાયો છે. તેમજ ગોંડલનાં પત્રકાર જીતુભાઇ આચાર્ય અને તેના પરીવાર સહીત પાંચ સભ્યો પણ સંક્રમીત થયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.