કોરોના સામે લડવા મુખ્ય શસ્ત્ર સમાન રેમડેસીવિર ઈન્જેક્શન, ઓક્સિજ્ન, વેક્સિનની વર્તાતી અછત!!!
હાલ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપે વધી રહ્યું છે. તેવા સમયે કોરોના સામે લડવા માટે મુખ્ય શસ્ત્ર સમાન રેમડેસીવીર ઈન્જેકશન, ઓક્સિજન વાયુ તેમજ વેકેશનની ખૂબ જરૂરિયાત હોય તેવા સમયે અછત સર્જાઇ હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજ્યમાં મુખ્યત્વે રેમડેસીવીર ઇન્જેક્શન ઝાયડ્સ કેડીલા તરફથી પ્રાપ્ત થાય છે પરંતુ, ઝાયડસ કેડિલાએ નિવેદન આપતા કહ્યું છે કે, ઇન્જેક્શનો સ્ટોક નહીં હોવાના કારણે હવે કોઈને પણ ઇન્જેક્શન આપી શકાશે નહીં. જ્યારે બીજી બાજુ અમદાવાદના નોડલ ઓફિસરએ નિવેદન આપ્યું છે કે, ઓક્સિજનના બમણા ભાવ આપવા છતાં જરૂરી જથ્થો મળી રહ્યો નથી, જેથી ઓક્સિજનની અછત પુરવા ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો જથ્થો આરોગ્ય સેવા માટે ફાળવવામાં આવે તેવી રજૂઆત રાજ્ય સરકારને કરવામાં આવી છે. તેમજ કોરોના રસનું ઉત્પાદન કરતી કંપનીઓ તેમની ક્ષમતા પ્રમાણે રસીનું ઉત્પાદન કરી રહી છે પરંતુ આગામી જથ્થો પૂરો પાડતાં કંપનીને એક સપ્તાહ સુધીનો સમય લાગી શકે છે ત્યારે ત્રણેય મુખ્ય શસ્ત્રોની હાલ અછત વર્તાઈ રહી હોય તેવા સમયે કોરોનાના અજગરી ભરડામાં સામે કેવી રીતે લડવું તેઓ સવાલ અનુભવી રહ્યો છે?
રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછતના કારણે ઝાયડસ હોસ્પિટલે મહત્વનો નિર્ણય કર્યો છે. આજથી ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળશે નહીં. ઝાયડ્સ હોસ્પિટલ પાસે પણ ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાના કારણે મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય કરાયો છે. આ અંગે ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે. રેમડેસિવિર માટે ઝાયડ્સ હોસ્પિટલ બહાર રોજ લાંબી લાઈનો હોય છે.
સુરતમાં પણ રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સામે આવી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં વધારાનો જથ્થો હાલ ઉપલબ્ધ નથી. રિઝર્વ સિવાય રેમડેસિવિરનો વધારાનો જથ્થાની હાલમાં અછત છે ત્યારે ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિરની ફાળવણી બંધ કરી દેવાઈ છે. આ સાથે સરકારી હોસ્પિટલમાં વધારાનો જથ્થો ન હોવાથી નિર્ણય કરાયો છે. 2 દિવસથી સિવિલમાંથી ખાનગી હોસ્પિટલને ઇન્જેક્શન અપાતા હતા. મોડી સાંજે રેમડેસિવિરને લઇ કલેક્ટરનો લેખિતમાં આદેશ થયો છે.
રેમડેસીવીર ઇન્જેક્શન મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકોટને છેલ્લા 5 દિવસમાં 15 હજાર જેટલા ઈન્જેક્શનની ડિલિવરી કરાઈ ચૂકી છે પરંતુ દર્દીને ઈન્જેક્શન અપાશે નહી પણ હોસ્પિટલને જ ઈન્જેક્શન અપાશે. હોસ્પિટલ દ્વારા હેલ્પલાઈનને ફોન કરવાનો રહેશે. જે બાદ હોસ્પિટલનો વ્યક્તિ જ લેવા જઈ શકે છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ ડોક્ટર લખી આપશે પછી જ દર્દીના નામે ઈન્જેક્શન મળશે. દર્દીના સગાને નહીં પણ હોસ્પિટલનો વ્યક્તિ જ ઈન્જેકશન લેવા જઈ શકશે. તેમણે ઉમેર્યું હતું કે, બીનજરૂરી ઈન્જેક્શન લેવા જોઈએ નહીં. જ્યાં સુધી તબીબો લખી આપશે નહીં. ત્યાં સુધી કોઈએ ઈન્જેક્શન લેવા નહીં. સાથે બીન જરૂરૂ ઈન્જેક્શન સ્ટોક પણ કરવા જોઈએ નહીં.
કોરોના વિસ્ફોટ વચ્ચે અમદાવાદમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. લોકોને રૂપિયા ચૂકવ્યાં બાદ પણ ઓક્સિજન નથી મળી રહ્યો. તબીબોનું કહેવું છે કે, શહેરની ખાનગી હોસ્પિટલ પાસે પૂરતો ઓક્સિજનનો જથ્થો નથી. 120થી 130 રૂપિયામાં મળતો ઓક્સિજન હવે 500 રૂપિયા આપવા છતાં મળતો નથી. જેના કારણે દર્દીઓના જીવને જોખમ છે. સરકાર ઓક્સિજનનો જથ્થો પર્યાપ્ત રહે એવી વ્યવસ્થા કરે તેવી તબીબોએ માગ કરી છે.
ઓક્સિજનની અછત અંગે નોડલ ઓફિસર જીગ્નેશ શાહે કહ્યું, હોસ્પિટલમાં 600થી 700 ટન ઓક્સિજનની જરૂર છે. અત્યારે 400થી 500 ટન ઓક્સિજન જ હોસ્પિટલને મળે છે. હોસ્પિટલમાં ઓક્સિનની અછત હોવાની સતત ફોન આવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં વપરાતો ઓક્સિજન એક અઠવાડિયું બંધ કરવાનું સૂચન કરાયું છે. ઇન્ડસ્ટ્રીમાં વપરાતા ઓક્સિજનને રોકી દર્દીનો જીવ બચાવી શકાય છે.
કોરોનાની ઝડપથી કોરોનાગ્રસ્તો અને મોતની સંખ્યામાં જબ્બર ઉછાળો
કોરાની પ્રથમ લહેર દરમિયાન મોટાભાગના કેસો શહેરી વિસ્તારમાં નોંધાઇ રહ્યા હતા. કોરોનાની પ્રથમ લહેરમાં ક્યાંક ગ્રામ્ય વિસ્તારો બાકાત રહી ગયા હતા ત્યારે બીજી લહેરે ગ્રામ્ય વિસ્તારમાં હાહાકાર મચાવ્યો છે પરંતુ અજ્ઞાનતા, અજાગૃતતા, અને મૂર્ખતાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો સંક્રમિત થયા બાદ પણ અનેક દિવસો સુધી સારવાર લેતા નથી. જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી કેસો વધી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના અંગે જાગૃતિ નહીં હોવાને પરિણામે લોકોને લક્ષણો દેખાયા બાદ તેઓ રાહ જોતા હોય છે. ગ્રામ્યસ્તરે રહેલા કોઈ તબીબ પાસેથી દવા લઈને તેઓ કોરોનાને હલકામાં લેતા હોય છે અને એકાએક તબિયત લથડી પડતાં
સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થતા હોય છે. પરંતુ, જ્યારે તેઓ હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે તેમની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે જેથી સીધા જ તેમને આઇસીયુ કે વેન્ટિલેટર પર રાખવાની જરૂરિયાત ઊભી થઈ જતી હોય છે. તેના કારણે હવે કોરોનાની ઝડપથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓની ઝડપ અને મોતનો આંકડો પણ દિનપ્રતિદિન વધી રહ્યો છે.
ગુજરાત સરકાર પર કોરોનાનું આક્રમણ!!!: 6-6 મંત્રીઓ ઝપટમાં!!!
કોરોનાનું આક્રમણ ગુજરાત સરકાર પર પણ થઈ રહ્યું છે. કોરોનાના કારણે ગુજરાત સરકારના છ મંત્રીઓની તબિયત લથડી છે. અગાઉ પાંચ મંત્રીઓ કોરોના સંક્રમિત નોંધાઈ ચૂકયા છે ત્યારે વધુ એક મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હવે કોરોનાની ઝપટમાં આવી ચૂકયા છે. હાલ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વધુ સારવાર અર્થે યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સાથોસાથ ભાજપના વરિષ્ઠ નેતા આઇ.કે.જાડેજા પણ કોરોના સંક્રમિત નોંધાયા હોવાથી તેમને પણ યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અન્ય મંત્રીઓની જો વાત કરવામાં આવે તો વનમંત્રી ગણપત વસાવા, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સામાજિક ન્યાય મંત્રી ઈશ્વર પરમાર, ઊર્જામંત્રી સૌરભ પટેલ અને શ્રમમંત્રી દિલીપ ઠાકોર પણ કોરોના સંક્રમિત નોંધાઈ ચૂકયા છે.
થોડાં જ દિવસમાં કોરોનાની ઝડપે તંત્રને “વામણું” સાબિત કર્યું!
કોરોનાની પ્રથમ લહેર નબળી પડતાંની સાથે તંત્ર એ એવી ધારણા બાંધી લીધી હતી કે, હવે કોરોના નિયંત્રણમાં આવી ચૂક્યો છે પરંતુ અગાઉ કરતાં પણ વધુ ઝડપે કોરોના એક ઉછાળો મારતા તંત્ર વામણું સાબિત થતું નજરે પડી રહ્યું છે. જે રીતે રેમડેસીવીર ઇન્જેક્શન થી માંડીને ઓક્સિજન સહિતના જથ્થાની ઘટ વર્તાઇ રહી છે તેના કારણે રાજ્યભરની હોસ્પિટલો દર્દીઓને દાખલ પણ કરી શકતી નથી. હાલ જે દર્દીઓ હોસ્પિટલ ખાતે દાખલ થઈ રહ્યા છે તેમની હાલત અતિ ગંભીર હોય છે અને તેમને ઓક્સિજનના જથ્થાની તાતી જરૂરિયાત હોય છે પરંતુ રાજ્યભરમાં ઓક્સિજનના
જથ્થાની ભારે ઘટ વર્તાઇ રહી છે ત્યારે દર્દીઓને દાખલ પણ કરી શકાતા નથી. તબીબોના જણાવ્યા અનુસાર, કોઈ પણ ગંભીર અવસ્થામાં રહેલા દર્દીને બચાવવા માટે પ્રથમ આવશ્યકતા ઓક્સિજનની હોય છે પરંતુ હાલ ઓક્સિજનનો જથ્થો જરૂરિયાત પ્રમાણે ઉપલબ્ધ નહીં હોવાથી અમે દર્દીઓને દાખલ પણ કરી શકતા નથી. જેના કારણે મોતની સંખ્યા વધી રહી છે.ત્યારે ચોક્કસ કહી શકાય કે, તંત્રએ તૈયારી નહોતી કરી જેના કારણે કોરોનાની ઝડપે તંત્રને ટૂંક સમયમાં જ વામણું સાબિત કરી દીધું છે.
કોરોનાની સંખ્યાના પ્રમાણમાં ગંભીર દર્દીઓનું પ્રમાણ વધ્યું!!: હોસ્પિટલો અને ખાટલાંઓ દર્દીથી ઉભરાયાં!!!
કોરોનાની બીજી લહેર પ્રથમ લહેર કરતાં વધુ ઘાતક સાબિત થઈ રહી છે. આરોગ્ય વિભાગના રીપોર્ટ અનુસાર પ્રથમ લહેરની વાત કરવામાં આવે તો ત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 2.4%ની ઝડપે વધી રહ્યા હતા જ્યારે હાલના તબક્કામાં એક્ટિવ કેસોની સંખ્યા 4.5%ના દરે વધી રહ્યો છે. અગાઉ જે દર્દીઓને ઓક્સીજનની જરૂરિયાત હોય તેવા દર્દીઓની સંખ્યા 1.7%ના દરે
વધી રહી હતી જ્યારે હાલના તબક્કે તેવા દર્દીઓની સંખ્યા 2.3%ના દરે વધી રહી છે. સાથોસાથ અગાઉ જે દર્દીઓને વેન્ટિલેટરની જરૂરિયાત હોય તેની સંખ્યા 0.2% દરે વધી રહી હતી પરંતુ હાલ તે દર બમણો થઇને 0.4% સુધી પહોંચ્યો છે જેના કારણે હોસ્પિટલોના ખાટલાઓ દર્દીઓથી ઊભરાયા છે. સાથોસાથ સિરિયસ દર્દીઓનું પ્રમાણ પણ ખૂબ ઝડપે વધી રહ્યું છે. ક્યાંક લોકોની અજ્ઞાનતા અને મૂર્ખતા પણ સંક્રમણને વધુ વેગ આપી રહી છે. લક્ષણો હોવા છતાં પણ દર્દીઓ લાંબા સમય સુધી તબીબની યોગ્ય સલાહ નહીં લેતા કોરોના બોમ્બે સમાન સાબિત થઈ રહ્યા છે.