સિવિલ હોસ્પિટલમાં વધુ ત્રણ દર્દીઓના મોત: ઇન્કમટેક્સના અધિકારી વડોદરામાં કોરોનાની ઝપટે
કોરોના સંક્રમણ હજુ યથાવત રહ્યું હોય તેમ આજ રોજ શહેરમાં વધુ સાત લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા કુલ કેસની સંખ્યા ૪૨૪ થઈ રહી છે. જ્યારે આજ રોજ સિવિલ હોસ્પિટલમાં જુદા જુદા ગામના ત્રણ દર્દીઓના મોત નિપજ્યા હતા. અને રાજકોટ ઇન્કમટેક્સના અધિકારી વડોદરામાં કોરોનાની ઝપટે ચડતા તેની સાથે પ્રવાસમાં રહેલા વધુ ૩ ઇન્કમટેક્સ અધિકારીઓને હોમ ક્વોરેઇન્ટઇન કરવામાં આવ્યા છે.
કોરોનાની મહામારી સામે સતર્ક રહેવા અને તૈયારીઓ માટે આરોગ્ય સચિવ ડો. જ્યંતી રવિ રાજકોટની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજ રોજ શહેરમાં વધુ સાત પોઝિટીવ કેસ નોંધાયા છે. આજ રોજ શહેરમાં જીવરાજ પાર્કમાં આર્યલેન્ડ ટાવરમાં રહેતા ચંદ્રકાંતભાઈ લક્ષ્મીચંદ વોરા (ઉ.વ.૬૮), જામનગર રોડ પર હાઇરાઈઝ એપાર્ટમેન્ટમાં ડો. કેયુર રાજનીકાંતભાઈ મુનિયા (ઉ.વ.૨૮), ચંદ્રેશનગર મેઈન રોડ પર રિધ્ધિબા હિમતભાઈ રાઠોડ (ઉ.વ.૨૦), આર્ય સમાજ પાસે કોર્પોરેશન ક્વાર્ટરમાં રહેતા દીપેશભાઈ ગીરીશભાઈ સરવૈયા (ઉ.વ.૨૨), રૈયાધાર રાણીમા રૂડીમાં ચીકમાં સાયરાબેન અજિતભાઈ મોકરસી (ઉ.વ.૪૫), પેનાગોન સોસાયટી, સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે અશ્મિ હિતેશભાઈ વોરા (ઉ.વ.૧૯) અને કોઠારીયા મેઈન રોડ કૈલાશપાર્ક – ૪ના રંજનબેન નરોતમભાઈ મનાણી (ઉ.વ.૫૫) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૪૨૪ પર પહોંચ્યો છે.
જ્યારે સિવિલ હોસ્પિટલમાં આજ રોજ જુદા જુદા શહેરના પાંચ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં ઢાંકની યુવતીનો રિપોર્ટ આવે તે પહેલાં જ તેણીએ દમ તોડ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના બે વૃદ્ધા, જસદણના ૬૦ વર્ષના વૃદ્ધ અને ધ્રોલના ૫૮ વર્ષના પ્રૌઢનું કોરોનામાં મોત નિપજ્યું હતું.
રાજકોટ ઇન્કમટેક્સ અધિકારી વડોદરામાં કોરોનાગ્રસ્ત
રાજકોટ ઇન્કમટેક્સમાં વોર્ડ ૩ના આઇટીઓ અને ટીઆરઓ લાલુભાઈ યાદવ ગત શુક્રવારે પોતાના પરિવાર પાસે વડોદરા ગયા હતા. જ્યાં તેમની તબિયત લથડતા તેમનો રિપોર્ટ કરવામાં આવતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. લાલુભાઈ યાદવ અઠવાડિયામાં બે વાર અત્રે ઇન્કમટેક્સ ઓફિસમાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેમની સાથે જ ઇન્કમટેક્સ ના આઇટીઓના સુરતના ૨ અને વાપીના ૧ અધિકારીઓ હોમ આઇશોલેશ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઇન્કમટેક્સ અધિકારી લાલુભાઈ યદાવનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની ઓફીસ સહિત ઇન્કમટેક્સની ઓફિસને સેનીટાઇઝિંગ કરવામાં આવ્યું છે.