શાક માર્કેટો, ચા-પાનના ગલ્લે સઘન ચેકિંગ હાથ ધરવા અને ટેસ્ટીંગ બુથ ફરી શરૂ કરવા આદેશ આપતા મેયર બિનાબેન આચાર્ય
સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા વોર્ડમાં કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત: અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજતા મેયર
દિવાળીના તહેવારોમાં બેખૌફ બની રાજકોટવાસીઓ રીતસર ઘરની બહાર ઉમટી પડતા. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આવામાં આજથી કોર્પોરેશનનું તંત્ર ફરી એકશનમાં આવી ગયું છે. મેયર બીનાબેન આચાર્યએ આજે સવારે ત્રણેય ઝોનના ડીએમસી અને આરોગ્ય અધિકારી સાથે તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં ચા-પાનના ગલ્લા સહિત જ્યાં વધુ માત્રામાં લોકોની ભીડ એકત્રીત થાય છે ત્યાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા અને ટેસ્ટીંગ બુથ ફરી શરૂ કરવા આદેશ આપ્યો છે. આજથી તમામ 18 વોર્ડમાં કોર્પોરેશનની 389 ટીમો દ્વારા ડોર ટુ ડોર આરોગ્યલક્ષી સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દર 3 થી 4 દિવસે આરોગ્ય ટીમ દ્વારા એક-એક ઘરની ચકાસણી કરવામાં આવશે., દિવાળીના તહેવારોમાં બજારોમાં વધુ માત્રામાં ભીડ રહેતા અને લોકો બહારગામ હરવા-ફરવા ગયા હોવાના કારણે કોવિડ-19 સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે. ગઈકાલે શહેરમાં કોરોનાના 96 કેસો મળી આવ્યા હતા. કુલ કેસનો આંક 10,000 લગોલગ પહોંચી જવા પામ્યો છે. હાલ 632 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 7 વ્યક્તિનો કોરોનાએ ભોગ લીધો છે. શહેરમાં કોરોનાનો સેક્ધડ રાઉન્ડ શરૂ થયો હોય તેવું જણાતા મહાપાલિકાની ટીમ ફરી એકશનમાં આવી છે. તમામ 18 વોર્ડમાં આવેલા 21 આરોગ્ય કેન્દ્રના પ્રભારીને ફરી કામગીરી સંભાળી લેવા 10 દિવસ પૂર્વે જ આદેશ અપાયા બાદ ગઈકાલે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમીતીના 400 શિક્ષકો અને 250 કોર્પોરેશનના કર્મચારીઓને ડોર ટુ ડોર કોરોના સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે.
આજે સવારે મેયર બિનાબેન આચાર્ય દ્વારા તાકીદની એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, ડે.મ્યુનિ.કમિશનર સી.કે.નંદાણી, બી.જી.પ્રજાપતિ, એ.આર.સિંહ અને નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે ચર્ચા કરવામાં આવી હતી. હાલ મહાપાલિકા દ્વારા ફરી 389 ટીમ બનાવી ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરેક ઘરની દર ત્રણ થી ચાર દિવસે ચકાસણી કરવામાં આવશે. ખાસ એ વાત ધ્યાનમાં આવી છે કે, સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા વોર્ડમાં કોરોના સંક્રમણ વધે તેવી સંભાવના જણાય રહી છે. હાલ 50 ધનવંતરી રથ અને 104ના રથ દ્વારા કોરોના લક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના એન્ટ્રી પોઈન્ટ, ઉપરાંત જ્યાં વધુ માત્રામાં લોકોની અવર જવર થાય છે ત્યાં ટેસ્ટીંગ બુથ વધારવા મેયર દ્વારા સુચના આપી દેવાય છે.
આ ઉપરાંત શાક માર્કેટ, ચા-પાનના ગલ્લા વગેરે સ્થળે ટોળા એકત્ર થાય છે ત્યાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરવા અધિકારીઓને મેયર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં શહેરીજનોને સાવચેત રહેવા પણ અપીલ કરાઈ છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરવી અને ભીડભાડવાળી જગ્યા જવાનું ટાળવા મેયર દ્વારા અપીલ કરાઈ છે.