અમદાવાદમાં 14, વડોદરામાં 14, જામનગરમાં 6, રાજકોટમાં 5, સુરતમાં ચાર અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ : રાજ્યમાં કુલ 55 કેસ પૈકી 44 કેસ શહેરોમાં

રાજકોટમાં એક જ પરિવારના બે સભ્યો સહિત કુલ પાંચ કેસ  રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 555 એ આંબ્યો

ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે રાજ્યની આઠ મમહાપાલિકા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઈકાલે મંગળવારે રાજ્યમાં કોરોનાના નવા 55 કેસો નોંધાયા હતાં. જે પૈકી 80 ટકા કેસ અર્થાત 44 કેસ રાજ્યની મહાપાલિકા વિસ્તારોમાં જ નોંધાયા છે. ગઈકાલે વધુ એક દર્દીએ કોરોનાથી દમ તોડયો હતો. રાજ્યમાં કોવિડનું સંક્રમણ સતત વધી રહ્યું હોય આગામી દિવસોમાં કેટલાક આકરા નિયંત્રણો પણ આવી શકે છે. રાજકોટમાં ગઈકાલે એક જ પરિવારના બે સભ્યો સહિત કુલ પાંચ કેસ નોંધાયા હતાં. રાજયના કુલ કોરોનાના કેસના 10 ટકા જેટલા કેસ રાજકોટમાં નોંધાતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 55 કેસ નોંધાયા હતાં. 48 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતાં. વલસાડમાં કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં હાલ કોરોનાના એક્ટિવ કેસનો આંક 555 એ પહોંચ્યો છે જે પૈકી ચાર દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 551 દર્દીઓની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 10,100 દર્દીઓનું મોત નિપજ્યું છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 14 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, જામનગર કોર્પોરેશનમાં 6 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 5 કેસ, સુરત કોર્પોરેશનમાં 4 કેસ અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે આ ઉપરાંત નવસારી જિલ્લામાં પાંચ કેસ, આણંદ જિલ્લામાં એક કેસ, જામનગર જિલ્લામાં એક કેસ, કચ્છ જિલ્લામાં 1 કેસ, મોરબી જિલ્લામાં 1 કેસ, પોરબંદર જિલ્લામાં 1 કેસ અને વલસાડ જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. રાજ્યના 80 ટકા કેસ મહાપાલિકા વિસ્તારોમાં નોંધાતા હવે શશેરો સરકારની ચિંતા વધારી રહ્યા છે. આઠ મહાપાલિકા વિસ્તારમાં રાત્રી કરફયુ અમલમાં હોવા છતાં સંક્રમણ વધી રહ્યું છે.

રાજકોટમાં વોર્ડ નં.9માં ઓસ્કાર સિટીમાં સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં એક જ પરિવારના બે સભ્યો કોરોનાથી સંક્રમીત થયા છે. બન્ને હાલ દર્દીઓ ખાનગી તબીબના માર્ગદર્શન હેઠળ હોમ આઈસોલેશનમાં છે. બન્નેએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. આ ઉપરાંત વોર્ડ નં.9માં પાલ્મ યુનિવર્સમાં 41 વર્ષનો યુવાન કોરોનાથી સંક્રમીત થયો છે જે કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો નથી. તેના સંપર્કમાં આવેલા પાંચ વ્યક્તિઓ હાઈરિસ્કમાં અને 29 દર્દીઓ લો રિસ્ક હેઠળ છે.

વોર્ડ નં.3માં જંકશન પ્લોટ વિસ્તારમાં 70 વર્ષીય વૃધ્ધ કોરોનાના સપડાયા છે તેઓએ વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. તેઓના સંપર્કમાં આવેલા બે લોકો હાઈરિસ્ક અને બે દર્દીઓ લો. રિસ્ક હેઠળ છે. ફેમીલીના ત્રણેય સભ્યોએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. પાંચમો કેસ વોર્ડ નં.11માં જીવરાજ પાર્કમાં નોંધાયો છે. વેક્સિનના બન્ને ડોઝ લેનાર અને કોઈપણ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતી યુવતી કોરોનાથી સંક્રમીત થઈ છે તેના સંપર્કમાં આવેલા  ચાર વ્યક્તિઓ હાઈરિસ્ક પર છે.

રાજકોટમાં ગઈકાલે કુલ પાંચ કેસો નોંધાયા હતાં. આ સાથે શહેરમાં કુલ કેસનો આંક 42903 પહોંચ્યો છે ગઈકાલે બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપ્યો હતો જ્યારે હાલ 21 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં આજ સુધીમાં કુલ 8,17,591 દર્દીઓએ કોરોનાને મ્હાત કરતાં રિકવરી રેટ 98.71 ટકાએ પહોંચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.