લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સના કારણે લોકોએ ફેસબૂક ઉપર વધુ સમય વિતાવતા ઝુકરબર્ગ વિશ્વનો ત્રીજો સૌથી ધનવાન બિઝનેશમેન બન્યો
કોરોના વાયરસને રોકવા લાદવામાં આવેલા લોકડાઉન અને લોકોએ જાળવેલા સોશિયલ ડિસ્ટન્સના કારણે સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકના સીઈઓ માર્કે ઝુકરબર્ગની સંપતીમાં બે મહિનામાં ૩૦ બીલીયન ડોલર એટલે કે, અંદાજીત રૂા.૨ લાખ કરોડનો વધારો થયો છે. છેલ્લા ૩ મહિનામાં લોકોએ પોતાનો મોટાભાગનો ઘણો ખરો સમય સોશિયલ મીડિયા ઉપર વિતાવ્યો છે. ખાસ કરીને ફેસબુકમાં લોકોની ગતિવિધિ વધી છે. જેના કારણે ફેસબુકને ફાયદો થયો હોવાનું આંકડા કહી રહ્યાં છે.
વિશ્ર્વમાં મહામારીના પગલે મોટાભાગના ઉદ્યોગીક એકમોને નુકશાન થયું છે. માર્ક ઝુકરબર્ગની વાત કંઈક અલગ છે. તેમણે બે મહિનામાં અધધધ… કમાણી કરી છે. વર્તમાન સમયે ઝુકરબર્ગની ૮૭.૫ બીલીયન ડોલરની સંપતિ છે. માર્ચ મહિનાના મધ્ય ભાગમાં ઝુકરબર્ગની સંપતિ ૫૭.૫ બીલીયન નજીક હતી. તાજેતરમાં ફેસબુક ઈન્ક દ્વારા ‘શોપ્સ’ નામનું ફિચર્સ શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિચર્સ શરૂ થતાં જ ફેસબુકના શેરની કિંમત ઓલટાઈમ હાઈ એટલે કે ૨૩૦.૭૫ ડોલર નજીક પહોંચી ગઈ હતી. છેલ્લા બે મહિનામાં લોકોને નવુ-નવુ પીરસવા માટે ઝુકરબર્ગ અને તેમની ટીમે લીધેલા પગલા ફાયદાકારક નિવડ્યા છે.
લોકડાઉનના કારણે લોકપ્રિય બનેલી ઝુમ એપ્લીકેશન સામે ફેસબુકે મેસેઝર રૂમ નામની સુવિધા શરૂ કરી હતી. ગત મહિને શરૂ કરાયેલી આ સુવિધામાં ૫૦ લોકો એક સાથે વિડીયો કોલીંગમાં જોડાઈ શકે છે. જે લોકો વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ વાપરે છે તેઓ પણ આ સર્વિસનો ઉપયોગ કરી શકે છે. સર્વિસના ઉપયોગ માટે ફેસબુક એકાઉન્ટ હોવું અનિવાર્ય નથી. અલબત કોલ શરૂ કરનાર પાસે ફેસબુક એકાઉન્ટ હોવું આવશ્યક છે.
વર્ક ફ્રોમ હોમથી કર્મચારીઓની ઉત્પાદકતા ખુબ વધી
આ મામલે તાજેતરમાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક સકારાત્મક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લોકડાઉનના સમયમાં કંપનીના ઘણા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં હતા. વર્ક ફ્રોમ હોમમાં કર્મચારીઓએ દાખવેલી પ્રોડકટીવીટી કલ્પના બહારની છે. કર્મચારીએ કરેલા કામથી હું ચક્તિ થઈ ગયો છું, ઘણા લોકો એવું માનતા હતા કે, વાયરસના પગલે બધુ અસ્ત-વ્યસ્ત થઈ જશે પરંતુ એવું બન્યું નથી. કર્મચારીની ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. મારો વ્યક્તિગત અનુભવ પણ ખુબ સારો રહ્યો છે.