મુંબઇથી બે દિવસ પહેલા જ વતન આવ્યા’તા : આરોગ્ય વિભાગની ટીમ વાસાવડ દોડી
રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં બહારથી આવતા લોકો સાથે કોરોના કેસની સંખ્યા પણ સતત વધતી રહે છે. બે દિવસ પહેલા મુંબઇથી ગોંડલના વાસાવડ ગામે આવેલા એક જ પરિવારના ચારેય સભ્યોને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમે તમામને આઇસોલેટ કરી વિસ્તાતમાં ક્ધટેનમેન્ટની કાર્યવાહી શરૂ કરી છે. જામનગરમાં વધુ ૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૧૦૦ને પાર પહોંચી છે.જૂનાગઢ જિલ્લામાં પણ વધુ ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
અનલોકના પહેલા તબક્કામાં જ લોકોની અવર જવર શરૂ થઈ છે. બહારગામ અથવા અન્ય રાજ્યોમાંથી આવતા લોકો દ્વારા કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં ખાસ કરી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બહાર ગામથી વતન પરત ફરતા લોકોની સાથે કોરોના સંક્રમણના કેસ પણ વધી રહ્યા છે. બે દિવસ પહેલા ગોંડલના વાસાવડ ગામે આવેલા અરવિંદભાઈ ભીખાભાઈ કાચા (ઉ.વ.૪૩), તેમના પત્નિ જ્યોતિબેન કાચા (ઉ.વ.૩૭), તેમના બાળકો પાયલ કાચા (ઉ.વ.૧૪) અને આશિષ કાચા (ઉ.વ.૧૩) તમામને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ મેળવવામાં આવ્યા હતા. જેના આજ રોજ ચારેય સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને આઇશોલેશન વોર્ડમાં દાખલ કરી આરોગ્ય વિભાગની ટીમ વાસાવડ ગામે પહોંચી ક્ધટેનમેન્ટની તૈયારી શરૂ કરી ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા લોકોને ક્વોરેઇન્ટઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૬૨ પોઝિટીવ કેસ નોંધાયા છે.
જૂનાગઢમાં પણ કોરોનાનો કહેર વરસી રહ્યો છે. ગઈ કાલે જૂનાગઢ જિલ્લામાં વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાનો કુલ આંક ૧૦૦ને પાર પહોંચ્યો છે. જૂનાગઢ શહેર વિસ્તારમાં ઝાંઝરડા રોડ પર જીવણધારા સોસાયટીના ૪૮ વર્ષના પુરુષ અને નાગરવાડા પાસે ગિરિરાજ એપાર્ટમેન્ટમાં રહેતા ૬૮ વર્ષના વૃદ્ધા પણ કોરોનાની ઝપટે ચડ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મેંદરડામાં ૫૫ વર્ષીય પ્રૌઢ અને ૨૫ વર્ષના યુવાનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
જામનગરમાં પણ કોરોનાના વધુ નવ કેસ નોંધાતા કુલ કેસનો આકડો ૧૦૦ને પાર પહોંચ્યો છે. જામનગરમાં ગઈ કાલે પાંચ અને જામજોધપુર-લાલપુરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ સાંજે વધુ સેતાવાડ ગામે ૬૦ વર્ષના વૃદ્ધા, ધ્રોલમાં ૨૫ વર્ષીય યુવતી, જામનગર શહેરમાં પટેલ વિસ્તારમાં રહેતા અને ધોરાજી ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા ૩૪ વર્ષીય યુવાન અને નાનકપુરી વિસ્તારમાંથી ૫૦ વર્ષના પ્રૌઢ અને જામનગર મિલિટરી સોસાયટીમાં હોસ્પિટલ વિભાગમાં રહેતો ૨૯ વર્ષનો યુવાન કોરોનાની ઝપટે ચડયાનું જાણવા મળ્યું છે. આ રીતે જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના વધુ ૯ પોઝિટીવ કેસ નોંધાતા કુલ આકડો સદીને પાર પહોંચ્યો છે. અને ૪૨ દર્દીઓ કોરોનાની સારવારમાં દાખલ હોવાનું જાણવા મળ્યું છે.