રાજ્યસભાની ચૂંટણી વખતે પણ તાવ હોવાનું ખુલ્યું : કોરોનાગ્રસ્ત ભરતસિંહ અનેક ધારાસભ્યો અને પત્રકારોના સંપર્કમાં આવ્યા ’તા: હાલ વડોદરાની હોસ્પિટલમાં દાખલ

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્ય સભાની ચૂંટણીના ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે ભરતસિંહને રાજ્યસભાની ચૂંટણી વખતે જ તાવ આવતો હોવાનું સામે આવ્યું છે. હાલ ભરતસિંહ વડોદરાની હોસ્પિટલમાં દાખલ છે. ભરતસિંહ ચૂંટણી વખતે અનેક ધારાસભ્ય અને પત્રકારોના સંપર્કમાં આવ્યા હોવાનું અનુમાન છે. હાલ આરોગ્ય વિભાગે આ ભરતસિંહના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

કોંગ્રેસના સિનિયર નેતા અને તાજેતરમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભરતસિંહમાં કોરોનાના લક્ષણો દેખાતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનો ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓ અને ધારાસભ્યોને ચેપ લાગ્યો છે જેમાં હવે ભરતસિંહનું નામ પણ ઉમેરાયું છે.

ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને વડોદરાની બેન્કર્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ કોંગ્રેસના જમાલપુર બેઠકના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે, જોકે તેઓ સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા હતા. જ્યારે કોંગ્રેસના જ એક વરિષ્ઠ નેતા બદરુદ્દીન શેખનું કોરોનાને કારણે અવસાન થયું હતું.

ચોંકાવનારી વાત એ છે કે, ભરતસિંહ હજુ શુક્રવારે જ થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આ દરમિયાન અનેક નેતાઓના સીધા સંપર્કમાં પણ આવ્યા હતા. કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ઉપરાંત ભરતસિંહને રાજ્યસભાની ચૂંટણીમાં ઉતારાયા હતા. જેમાં ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ હવે ભરતસિંહને કોરોનાનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે મળતી માહિતી પ્રમાણે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ઊંધા માથે થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.