અગાઉની કપરી પરિસ્થિતિએ ઘણું શીખવ્યું, પણ આપણે નહિ જ શીખીએ તો જોવા જેવી થશે

એક સમય હતો કોરોનામાં ગફલતે માનવ જિંદગી ઉપર મોટું જોખમ ઉભું કર્યું હતું. માનવજાતની એક પ્રકૃતિ છે કે જ્યાં સુધી સમસ્યા વધી ન જાય ત્યાં સુધી તેને ગણકારવામાં આવતી નથી. આવું જ કોરોનામાં થયું જ્યાં સુધી કોરોના વિસ્ફોટ ન થયા ત્યાં સુધી આપણે તકેદારી જ ન રાખી. પણ પછી જ્યારે ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારીને શુ કરવું ?

કોરોનાના કારણે આપણે લોકડાઉનનો સામનો કરવો પડ્યો હતો. આ દિવસો માનવ ઇતિહાસના સૌથી કપરા દિવસો પણ કહી શકાય. જરૂરિયાતમંદ લોકોને કેવી હાલાકી વેઠવી પડી તેનો કોઈ અંદાજ પણ લગાવી ન શકે. હવે ફરી એ દિવસોનું પુનરાવર્તન ન થાય તેની જવાબદારી આપણા સૌની છે. આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી. બસ સાવચેતી અને આગમચેતી રાખવાની છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. એપ્રિલ મહિનાના 10 દિવસમાં જ 6 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જ્યારે માર્ચ મહિનામાં કોરોનાથી 9 લોકોના મોત નિપજ્યા હતાં. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે.રાજ્ય સરકારે કોરોના સામે લડવા માટેની  મોકડ્રીલનું આયોજન કર્યું છે.

કોરોનાથી સહેજ પણ ડરવાની જરૂર નથી લોકોએ જાતે જ સતર્ક રહેવાની જરૂર છે. કોરોના કેસ વધતાં રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને તેના માટે તાત્કાલિક મોકડ્રીલ યોજી છે. જેમાં જે પણ ખામીઓ હશે તેને દૂર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ દેશભરમાં મોકડ્રિલના આદેશ આપ્યા બાદ જ રાજ્ય સરકારે તકેદારી વધારી છે. મોકડ્રીલમાં રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની ચકાસણી કરવામાં આવી  છે.

હાલની એસઓપીમાં  માસ્ક ફરજિયાત નથી પણ લોકોએ પોતાના બચાવ માટે માસ્ક પહેરવું જોઇએ બચાવ માટે માસ્ક જરૂરી છે.રાજ્યમાં વેક્સિનની અછત છે. તેના માટે કેન્દ્ર પાસેથી ગુજરાતે 3 લાખ વેક્સિનના ડોઝની માંગણી કરી છે અને તે આગામી દિવસોમાં મળી જશે તેવી આશા પણ  વ્યક્ત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.