વર્ષ ૨૦૧૫ સુધી સતત ૧૨ કલાક કામ કરી પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠાને ઉજાગર કરી: મેડિકલ ક્ષેત્રે અનેકવિધ હોદાઓને શોભાવ્યા હતા
હાલના સમયમાં લોકો કામ પ્રત્યે સહેજ પણ સભાન રહેતા નથી જયારે બીજી તરફ પોતાના કાર્યમાં નિષ્ઠાનો પણ અભાવ ઘણાખરા અંશે જોવા મળતો હોય છે તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ત્રીસશકિતકરણને પ્રોત્સાહન આપવા માટેનું આહવાન કર્યું હતું પરંતુ દેશમાં સ્ત્રીસશકિતકરણનું ઉતમ ઉદાહરણ પુરુ પાડવા ૧૦૩ વર્ષની દેશની પ્રથમ મહિલા કાર્ડિયોલોજીસ્ટનું નામ સામે આવે છે. ડો. એસઆઈ પદ્માવતી ૧૦૩ વર્ષની વયે કોરોનાના કારણે તેઓનું હૃદય બંધ થયું છે.
ડો.પદ્માવતીએ અનેકવિધ લોકોના હૃદયને ધબકતા કર્યા હતા. ૨૦૧૫ સુધી સતત પ્રતિ દિવસ ૧૨ કલાક કામ કરતા ડો.પદ્માવતીએ પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠાને ઉજાગર કરી છે. તેઓએ મેડિકલ ક્ષેત્રે અનેકવિધ ઉચ્ચ હોદાઓને પણ સુશોભિત કર્યા છે. ગત ૧૫ દિવસથી તેઓની તબિયત સારી ન હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા.
સારવાર દરમિયાન તેઓના બંને ફેફસામાં કોરોનાના સંક્રમણ લાગ્યા હતા. તેઓ કાર્ડિયોલોજીના ગોડ મધર પણ કહેવામાં આવતા હતા. હાલના સાંપ્રત સમયમાં લોકો તેમની કાર્ય પ્રત્યેની નિષ્ઠાથી સહેજ પણ સભાન જોવા મળતા નથી ત્યારે ડો.પદ્માવતી સૌથી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું છે અને સ્ત્રીસશકિતકરણને પણ ખરાઅર્થમાં પ્રસ્થાપિત કર્યું છે. ૧૯૬૭ની જો વાત કરવામાં આવે તો તેઓ મોલાના આઝાદ મેડિકલ કોલેજના ડાયરેકટર અને પ્રિન્સીપલ તરીકેનો મહત્વનો પદભાર સંભાળ્યો હતો જેમાં તેઓએ સૌપ્રથમ કાર્ડિયોલોજીમાં ડી.એમ.કોર્સનો પણ ઉમેરો કર્યો હતો. ડો.પદ્માવતીએ ૧૯૬૨માં ઓલ ઈન્ડિયા હાર્ટ ફાઉન્ડેશનનું પણ નિર્માણ કર્યું હતું જયારે ૧૯૮૧માં તેઓએ નેશનલ હાર્ટ ઈન્સ્ટિટયૂટનો પણ પ્રારંભ કર્યો હતો.
ડો.એસઆઈ પદ્માવતીની કામ પ્રત્યેની સજાગતા અને તેની મહત્વતાને જોતા દેશના સર્વોચ્ચ પુરસ્કાર જોતા તેઓને પદ્મભુષણ અને પદ્મવિભુષણથી નવાજવામાં આવ્યા હતા. ૧૦૩ વર્ષની ઉંમર સુધી સતત કાર્યરત રહેલા ડો.એસઆઈ પદ્માવતી અન્ય મહિલાઓ અને સમાજ માટે એક ઉચ્ચ ઉદાહરણ પુરવાર કર્યું છે જેનાથી લોકોએ બોધપાઠ પણ લેવો જોઈએ. હાલની ૨૧મી સદીમાં લોકો માત્રને માત્ર પોતાના કાર્યને ગંભીરતાથી અને પોતાની નૈતિક જવાબદારી સમજીને કાર્ય કરતા જોવા પણ નથી મળતા ત્યારે ૧૦૩ વર્ષ સુધી સતત લોકોની સેવા કરનાર ડો.એસઆઈ પદ્માવતી ખરાઅર્થમાં લોકહિત માટેનું ઉચ્ચ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેમણે કાર્ડિયોલોજી ક્ષેત્રે ઘણાખરા રીસર્ચ અને અભ્યાસ કરી કાર્ડિયોલોજી ક્ષેત્રને ઉચ્ચ શિખરો ઉપર પહોંચાડયું છે જેમાં રીસર્ચ અને અભ્યાસ ખરાઅર્થમાં કાર્ડિયોલોજીના ડોકટરો માટે અત્યંત જરૂરી સાબિત થયા છે.