કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોરબીની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી
મોરબીમાં કોરોનાની ખતરનાક વિસ્ફોટક સ્થિતિ જોતા ખુદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે દોડી આવ્યા બાદ વર્તમાન સ્થિતિની સ્થાનિક અધિકારીઓ સાથે દોઢ કલાક સુધી સમીક્ષા કરી તાબડતોબ 48 કલાકમાં જ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરવા નિર્ણય લીધો હોવાનું પત્રકાર પરિષદમાં જાહેર કરી જિલ્લાના તમામ પીએચસી અને સીએસસી સેન્ટરની મદદથી 15-15 બેડની સુવિધા ઉપલબ્ધ બનાવી વધારાના 500 બેડની સુવિધા કોરોનાના માઈલ્ડ દર્દીઓ માટે ઉભી કરવામાં આવશે તેમ ઉમેરી મોરબી જિલ્લાની પરિસ્થિતિ એકંદરે નિયંત્રણમાં હોવાનું જાહેર કર્યું છે.
મોરબીની મુલાકાતે આવેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ,આરોગ્ય સચિવ જયંતિ રવિએ મોરબીના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્યો, પાલિકા પ્રમુખ, કલેકટર, અધિક કલેક્ટર, રેન્જ આઈજી, એસપી, જિલ્લા ભાજપ પ્રમુખ,જિલ્લા આરોગ્ય અધિકારી, સહિતના 19 જેટલા અધિકારી, પદાધિકારીઓ સાથે બેઠક યોજી પ્રવર્તમાન સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો અને આ બેઠક બાદ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં અનેક વિધ જાહેરાત કરી હતી જેમાં સૌથી અગત્યની બાબત રૂપે આગામી 48 કલાકમાં જ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને અન્ય સ્ટાફની અછત દૂર કરવા સાંજ સુધીમાં તબીબી ટીમને મોકલવા સરકારે નિર્ણય કર્યો હોવાનું જાહેર કર્યું હરું.
વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરકાર કોઈ આંકડા છુપાવતી ન હોવાનું જણાવી હાલમાં ટેસ્ટિંગ,ટ્રીટમેન્ટ અને ટ્રેસીંગ એમ ત્રણ ટી ઉપર સરકાર કામ કરી રહી હોવાનું ઉમેરી મોરબીમાં હાલમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલ મળી કુલ 900 બેડની સુવિધા ઉપલબ્ધ હોવાનું તેમજ કોરોના ટ્રીટમેન્ટ માટે નાના કલીનીકો અને નાની હોસ્પિટલને પણ મંજૂરી આપવામાં આવશે તેમ જણાવી મોરબીમાં પાટીદાર કોવિડ કેર સેન્ટર જેવી સંસ્થાકીય સેવાઓને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોરબીની હાલની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવી ટેસ્ટિંગ વધારવા ઉપર ભાર મુક્યો હતો સાથે સાથે જિલ્લામાં આવેલ 35 પીએચસી અને સીએચસી સેન્ટરની દેખરેખમાં સમાજની વાડીમાં ઓછામાં ઓછા 15-15 બેડની કોરોનાના માઈલ્ડ દર્દીઓ માટે સારવાર ઉપલબ્ધ કરવાની સાથે હળવદ અને વાંકાનેરમાં પણ સંસ્થાઓની મદદથી કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.
આવતીકાલે પણ 700 રેમડેસિવીર ઇન્જેક્શન મોકલાશે
મુખ્યમંત્રીએ મોરબી જિલ્લાને ગઈકાલે 700 રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ફાળવ્યો હોવાનું અને આવતીકાલે વધુ 700 રેમડેસીવીર ઇન્જેક્શન મોકલાશે તેમ જણાવી લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન માટે ખોટો આગ્રહ ન રાખી ડોક્ટર જણાવે તો જ ઇન્જેક્શન લેવા ઉપરાંત રેમડેસીવીર ઇન્જેક્શનની આડઅસર રૂપે કિડની અને લીવર ડેમેજ થતા હોવાનું પણ ભાર પૂર્વક જણાવ્યું હતું.
તમામ પીએચસી અને સીએચસી સેન્ટરની મદદથી 15-15 બેડ ગોઠવી વધારાના 500 બેડ ઉપલબ્ધ કરાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે કોરોનાના કેસ વધી રહ્યા છે. દર્દીઓને બેડને લઈને મુશ્કેલી મ પડે તે માટે જિલ્લાના તમામ પીએચસી અને સીએચસી સેન્ટરની મદદથી 15-15 બેડ ગોઠવી વધારાના 500 બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ જિલ્લામાં 900 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
સાંજ સુધીમાં તબીબી સ્ટાફ મોકલાશે
મોરબીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધુ હોય સામે તબીબી સ્ટાફની ઘટ ચાલી રહી હોય. દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાબડતોબ સાંજ સુધીમાં તબીબી સ્ટાફ મોરબીને પૂરો પાડવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને પગલે તંત્રએ પણ હાંશકારો અનુભવ્યો છે.
મુખ્યમંત્રીનું રાજકોટમાં આગમન: કલેકટર કચેરી ખાતે બેઠકનો દૌર
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં આજે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કોરોનાને કેસને ધ્યાનમાં રાખી મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં કોરોનાના કેસને કંટ્રોલ કરવા અને રાજકોટ જિલ્લાના લોકોની સુખાકારીમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં આરટીપીસીઆરના તાત્કાલીક રિપોર્ટ આવી શકે તે માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જિલ્લામાં માઈક્રો ક્ધટેઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેનો ચુસ્તપણે અમલ થાય તે માટે પોલીસ સહિતના જવાબદાર અધિકારીને કડક સુચના આપવામાં આવી છે અને રેમેડીસીવીર ઈંજેકશનની જરૂર ન હોય તો તે ન લેવાની પણ સલાહ આપી છે. રાજકોટ જિલ્લાની અંદર કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. ત્યારે રાજ્ય સરકાર પણ આ મુદ્દે ચિંતીત હોય છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિક અધિકારી અને પ્રભારી સહિતના અધિકારીઓ દોડતા થયા છે તેવામાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ચિફ સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે.કૈલાશનાથન, આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિ રાજકોટ દોડી આવ્યા હતા અને બપોરે 3 વાગ્યા આસપાસ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી. રાજકોટમાં કોરોના કેસની સંખ્યાની સાથો સાથ મોતની સંખ્યામાં પણ જેટ ગતિએ વધારો નોંધાઈ રહ્યો છે. હોસ્પિટલમાં દર કલાકે એક દર્દીનું મોત નિપજી રહ્યું છે પણ તંત્ર દ્વારા છુપાવવાની કોશિષ કરવામાં આવતી હોય તેમ ગઈકાલે શહેરમાં 24 દર્દીના મોત અને આજે 34 દર્દીના મોત નિપજયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શહેરમાં રેકોર્ડબ્રેક 427 કેસ નોંધાયા હતા અને શહેરમાં કોરોનાની વધતી સ્થિતિને લઈ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતનાએ કલેકટર, મ્યુનિ કમિશનર અને પોલીસ કમિશનર સહિતનાઓ સાથે કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી અને વધતા કોરોનાના કેસને લઈ ચિંતા વ્યકત કરી હતી.