જૂનાગઢના પોલીસ અધિકારી સહિત ત્રણ કર્મીએ કોરોનાને આપી મ્હાત
પોલીસ વડા, કર્મચારીઓની સંભાળે કોરોના સામે લડવાની શક્તિ આપી
ત્રર્ણય ડિસ્ચાર્જ થયા ત્યારે કોરોનાના દર્દીઓ પણ થયા ભાવવિભોર
છેલ્લા ચાર મહિનાથી સતત બંદોબસ્તમાં રહેલ કોરોના વોરિયર્સ એવી જૂનાગઢ પોલીસના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પો.કો. કરણભાઈ જગુભાઈ વાળા, પો.સ.ઇ. કૃણાલ જે. પટેલ અને સી ડિવિઝનના પો.કો. કૈલાસભાઈ નાનજીભાઈ જોગીયાને કોરોના પોઝીટીવ આવ્યા બાદ સધન સારવારથી સાજા થાય છે.
જૂનાગઢ પોલીસના કોરોના વોરિયર્સ એવા એક પીએસઆઇ કૃણાલ પટેલ અને બે પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ અને કૈલાશભાઈને કોરોના પોઝીટીવ આવતા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચનાથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સીપીઆઈ પી.એન.ગામીત, તાલુકા પીએસઆઇ વી. યુ. સોલંકી, પીએસઆઇ એસ. એન. સાગરકા, પીએસઆઇ પી. જે. બોદર તથા સમગ્ર પોલીસ સ્ટાફ ત્રણેય કોરોના વોરિયર્સને જ્યારથી હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા ત્યારથી સતત પડખે ઉભા રહી, તેઓના દવા, ગરમ પાણી, જમવા, સહિતની તમામ વ્યવસ્થા સંભાળી લેવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ પોતે જાતે પણ ત્રણેય કોરોના વોરિયર્સ સાથે હોસ્પિટલમા દાખલ કર્યા ત્યારથી દરરોજ દિવસમાં બે વખત તબિયત અંગે પુચ્છા કરી, ખાતાના વડા તરીકે પોતાની ફરજ અદા કરવાની સાથે સાથે સારવારથી માહિતગાર રહ્યા હતા.
જ્યારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, તથા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા આરોગ્ય અધીકારીઓ ડો. ચંદ્રેશભાઈ વ્યાસ, ડો. રવિ ડેડાણીયા તથા ડો. ચુડાસમા સાથે સતત સંપર્કમા રહી, કોરોના વોરિયર્સ કોરોના પોઝીટીવને તમામ પ્રકારની ઉત્તમ સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી, અવાર નવાર હોસ્પિટલાઈઝ કોરોના વોરિયર્સને મળી, જરૂરી સામાન પહોંચાડી, સતત સેવા કરી, જાતે સોશિયલ ડિસ્ટનસથી મળી, તમામ વ્યવસ્થા સાંભળી, પોતાનું કુટુંબ પણ ના કરે તેવી સેવાકીય ફરજ બજાવેલ હતી.
આ ત્રણેય કોરોના વોરિયર્સ પૈકી પીએસઆઇ કૃણાલ પટેલ એકલા રહેતા હોય, તેને જમવાથી માંડી કોઈપણ સગવડમાં ઉણપ ના આવે, તેની કાળજી રાખી, તેને પોતાના માતા પિતાની ખોટ પોતાના ખાતાના પોલીસ અધિકારીઓએ પુરી પાડી હતી. તો બીજી બાજુ ભવનાથ સનાતન ધર્મશાળા ખાતે કોવિડ સેન્ટર ખાતે રહેલ કોરોના પોઝીટીવ પો.કો. કૈલાસભાઈએ તો ત્યાં દાખલ તમામ કોરોના દર્દીઓને હિંમત આપી, ત્યાં પણ મોટી ઉંમરના દર્દીઓની સેવા ચાલુ રાખી, તમામને કોરોના સામે લડવાની શક્તિ અને આત્મવિશ્વાસ વધાર્યો હતો. તથા વિશેષમાં પો.કો. કૈલાશભાઈ દ્વારા કોરોના રસીના સંશોધન માટે પોતાના બ્લડના નમૂના આપી, ખરેખર કોરોના વોરિયર્સ તરીકે સાબિત થયા છે. જ્યારે તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ પણ ભાવ વિભોર થયા હતા.
આમ, જૂનાગઢ પોલીસના એક અધિકારી અને બે પોલીસ જવાનોને કોરોના પોઝિટિવ આવતાં, જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓથી માંડી કોન્સ્ટેબલ સુધીના જવાનો તેઓની સાથે રહી, જૂનાગઢ પોલીસ દ્વારા પોતાના જવાનો પ્રત્યે સહાનુભૂતિ બતાવી, પરિવાર ભાવના તેમજ કુટુંબ ભાવના ઉજાગર કરવામાં આવી છે.