ઉનાથી 1 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આંચકાની અસર વર્તાઇ
એક બાજુ હજુ તો વાવાઝોડાની આફત ટળી નથી ત્યાં વધુ એક કુદરતી આફત આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધરાતે રાતે સાડાત્રણ વાગ્યાની આસપાસ ધરા ધ્રૂજી ઊઠી હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના દીવ, વેરાવળ જિલ્લાના ઉના, ગીર-સોમનાથમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ મુજબ 4.5 નોંધાઈ છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું. મહત્ત્વનું છે કે ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મધરાતે જ ઘરની બહાર દોડી આવ્યા હતા.મળતી માહિતી અનુસાર, મધરાતે જે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે એ જ જગ્યાએ આજે સાંજે ’તાઉ-તે’ વાવાઝોડું ટકરાશે તેવી શક્યતા છે.
સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ , મધ રાતે 3:37 કલાકે ઉનાથી 1 કિમી દૂર 4.5ની તીવ્રતાના આચકનું કેન્દ્રબિંદુ ઇસ્ટ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઊંડાઈ 3.2 નોંધાઇ હતી.
ભૂકંપના આંચકાની તીવ્રતા વધુ ઉનાના વાસોદ ગામે કેટલાક મકાનોમાં તિરાડો પડી ગઇ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આ આંચકાનો અનુભવ લોકોએ કર્યો હતો. જો કે હજુ કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.