કરીયાણુ, કપડા, પગરખા, દવાઓ સહિતની વસ્તુઓમાં ઓનલાઈન ખરીદીનું પ્રમાણ ટોચે પહોંચ્યું
કોરોના વાયરસના કારણે લોકો પરાણે ઓનલાઈન શોપીંગ તરફ વળી ચૂક્યા છે. સરકારે ડિજીટલ પેમેન્ટ માટે અથાક પ્રયત્નો કર્યાં હતા. છતાં સંપૂર્ણ ડિજીટલ પેમેન્ટનો રોલ પ્રાપ્ત કરી શકાયો નહોતો. લોકો ફિઝીકલ ખરીદી કરવાને પ્રાધાન્ય આપતા હતા. પરંતુ મહામારીના કારણે સ્થિતિ એકાએક બદલાઈ ગઈ છે. લોકોની ઈચ્છા ન હોવા છતાં તેમને ડિજીટલ ખરીદી કરવી પડે છે.
તાજેતરમાં કન્ઝયુમર ટ્રેકર સર્વેની કંપની ડિલોઈટના આંકડા મુજબ કપડા લતા કે ઈલેકટ્રોનિકસની ઓનલાઈન ખરીદીમાં એકાએક ૫૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. લોકો એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો આગ્રહ રાખે છે. આ અસર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્ર્વના ૧૮ થી વધુ દેશોમાં જોવા મળી છે. ઓનલાઈન ખરીદી તો વધી છે. બીજી તરફ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જવાનું ટાળી રહ્યાં છે. વાહનો માટે પણ ઓનલાઈન પુછપરછનું પ્રમાણ તોતીંગ વધ્યું છે.
નોંધનીય છે કે, દેશમાં કોરોના મહામારીના કારણે લોકો એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ રાખે છે. ભીડભાડ ધરાવતી બજારોમાં જવાનું ટાળે છે. આ ઉપરાંત હવે ઓનલાઈન ખરીદીનું પ્રમાણ ટોચના સ્તરે પહોંચી ગયું છે. કરીયાણુ, કપડા, પગરખા, દવાઓ અને બીજી આવશ્યક વસ્તુઓમાં ઓનલાઈન ખરીદી ખીલી છે.