અમરેલીમાં 6, રાજકોટ – શહેર જિલ્લામાં 3 અને પોરબંદરમાં એક કેસ નોંધાયો

રાજ્યમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે. ગુરૂવારે ગુજરાતના અલગ-અલગ કોર્પોરેશન અને જિલ્લા વિસ્તારોમાંથી કોરોનાના 30 પોઝિટીવ કેસ મળી આવ્યા હતાં. રાજ્યમાં ફરી કોવિડે માથુ ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં નવા 10 કેસ નોંધાયા હતાં.

રાજ્યમાં ગુરૂવારે કોરોનાના નવા 30 કેસ નોંધાયા હતાં. જેની સામે 6 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતાં. રસીકરણ ઝુંબેશ સાવ મંદ ગતીએ ચાલી રહી છે. ગઇકાલે 871 વ્યક્તિઓએ કોરોનાની રસી લીધી હતી.

અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નવા 12 કેસ, અમરેલી જિલ્લામાં 6 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 2 કેસ, સુરત કોર્પોરેશન વિસ્તારમાં 2 કેસ, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 2 કેસ, ગાંધીનગર જિલ્લામાં એક કેસ, જૂનાગઢ જિલ્લામાં એક કેસ, મહેસાણા જિલ્લામાં એક કેસ, પોરબંદર જિલ્લામાં એક કેસ, રાજકોટ જિલ્લામાં એક કેસ અને સુરત જિલ્લામાં નવો એક કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી સતત કોરોનાના કેસ નોંધાઇ રહ્યાં છે. ગઇકાલે નવા બે કેસ મળી આવતા શહેરીજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.જો કે હવે કોરોના પહેલા જેટલો ભયાનક રહ્યો નથી. માત્ર સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.