રાજકોટમાં એક રાતમાં વધુ ૮ દર્દીઓને કોરોના ભરખી ગયો : ભાવનગરમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ: જુનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર જિલ્લામાં પણ કોરોનાનું વધતું સંક્રમણ
સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ પરિસ્થિતિમાં નોંધાઈ રહ્યું છે. દરરોજ એક નવી ટોચ સાથે કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધી છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રભરમાં ૨૭૦ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે જેમાં રાજકોટ શહેરમાં ૪૫ અને ગ્રામ્યમાં વધુ ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે જયારે રાજકોટની જુદી-જુદી હોસ્પિટલોમાં સારવાર લેતા ૮ દર્દીઓનાં મોત નિપજયા છે જયારે સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લાઓ ભાવનગર, જુનાગઢ, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બનતી જણાય રહી છે.
સૌરાષ્ટ્રભરમાં કોરોના કોવિડ વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે રાજકોટમાં ગઈકાલે શહેરી વિસ્તારમાં કુલ ૪૫ અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૫ પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે રાજકોટમાં જુદી-જુદી કોરોના કેર હોસ્પિટલોમાં સારવાર લેતા રાજકોટનાં માધાપર ગામનાં હંસાબેન વેલજીભાઈ લગદાણી (ઉ.વ.૪૬) અને યુનિવર્સિટી રોડ પર રહેતા ધનીબેન મોહનભાઈ ચાવડા (ઉ.વ.૬૨) સુરેન્દ્રનગરનાં કુમારભાઈ કાંતીભાઈ શાહ (ઉ.વ.૬૦), લીંબડીનાં લાલજીભાઈ મુળજીભાઈ જાદવ (ઉ.વ.૮૨) અને બિંદુબેન અલ્પેશભાઈ શાહ, જુનાગઢનાં અમીદાબેન સુલેમાનભાઈ ખાડીયા (ઉ.વ.૬૫), વાંકાનેરનાં ગોવિંદભાઈ હમીરભાઈ તોડયા (ઉ.વ.૬૩) અને ભચાઉનાં ભારતીબેન સુર્યકાંતભાઈ બેલાણી (ઉ.વ.૬૨)ને કોરોના વાયરસ ભરખી ગયો હતો. રાજકોટમાં વાહન ચોરીનાં ગુનામાં ઝડપાયેલા આરોપીને ગઈકાલે કોરોના પોઝીટીવ આવતા પીએસઆઈ સહિત ૧૦ પોલીસ કર્મચારીઓને કવોરન્ટાઈન કરાયા છે. ગઈકાલે એક યુવતી સહિત ત્રણ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી જિંદગીની જંગ જીતી હતી.
સુરેન્દ્રનગરમાં પણ કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની રહી છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં કુલ ૪૭ પોઝીટીવ કેસ નોંધાયા છે અને ૩ લોકોનાં રાજકોટ સારવારમાં મોત નિપજયાનું જાણવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે થાનનાં નગરપાલિકાનાં ચીફ ઓફિસર સહિત ૭ કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડયા છે અને થાનગઢમાં ગઈકાલે કુલ ૧૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. વઢવાણનાં રતનપર ગામમાં વધુ ૮, પાટડી તાલુકામાં ૧૬, ધ્રાંગધ્રામાં ૭ અને લીંબડીમાં ૩, સાયલા-ચોટીલામાં એક-એક પોઝીટીવ કેસ નોંધાયા છે. ગઈકાલે રાજકોટની હોસ્પિટલમાં સુરેન્દ્રનગરનાં ૩ દર્દીઓને કોરોના ભરખી જતા સતાવાર રીતે જિલ્લામાં કુલ ૮ દર્દીઓનાં મોત નોંધાયા છે. જયારે કોમોરબ્રીડથી ૧૩ દર્દીનાં મોત પ્રશાસન વિભાગ દર્શાવી રહ્યું છે પરંતુ અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૩૦ લોકોનાં મોત નિપજયાનું સામે આવી રહ્યું છે.
જામનગરમાં પણ કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૩૩ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે જેમાં જામજોધપુર તાલુકાનાં અમરાપર ગામે પણ એક પોઝીટીવ કેસ નોંધાયો છે જયારે જિલ્લામાં વધુ એક દર્દી કોરોનાકાળનો કોળીયો બનતા કુલ ૩૯ દર્દીઓનાં મોત નિપજયા છે. અમરેલી જિલ્લામાં વધુ ૭ દર્દીઓ પોઝીટીવ નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં પણ દિવસેને દિવસે પરિસ્થિતિ વકરતી હોય તેમ એક દિવસમાં વધુ ૩૯ પોઝીટીવ કેસ અને એક દર્દીનું મોત નિપજયું છે.
- ગીર સોમનાથ જિલ્લામાં ૨૪ કલાકમાં ૫૦ પોઝીટીવ કેસ
શ્રાવણ માસની શરૂ આતની સાથે જ સોમનાથનાં દર્શનાર્થે ઠેર-ઠેરથી ભાવિકો પધારી રહ્યા છે જે રીતે મહાદેવનાં દર્શન કરવા માટે ભકતો વધી રહ્યા છે તેમ કોરોનાનું સંક્રમણ પણ વધતુ જોવા મળી રહ્યું છે. ભકતોની સંખ્યા ઉભરાતા પોલીસે લાઠીચાર્જ કરવા સુધીની પરિસ્થિતિ સર્જાય હતી ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૫૦ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે જેમાં વેરાવળ-ઉનામાં ૭-૭, તાલાલા તાલુકામાં ૬, સુત્રાપાડા, કોડીનાર, ગઢડા સહિત ગામોમાં ૨૬ પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે દેલવાડા ગામનાં ૪૫ વર્ષના આધેડનું મોત નિપજયું છે.
- જુનાગઢ લોકલ ટ્રાન્સમિશન તબકકા
- પ્રવેશતા ભયજનક પરિસ્થિતિમાં
જુનાગઢમાં કોરોનાની મહામારી વધી રહી છે ત્યારે લોકલ ટ્રાન્સમિશનનાં તબકકામાં જિલ્લાની પરિસ્થિતિ દિવસેને દિવસે ભયજનક જણાઈ રહી છે. સાથો સાથ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના આંકડાકિય માહિતી આપવામાં પણ વિલંબ કરી રહી છે જે અંગે જુનાગઢ જિલ્લાનાં વરિષ્ઠ પત્રકારો અને સામાજીક આગેવાનો ઉચ્ચ અધિકારીઓ સુધી આ અંગેની રજુઆત કરી હતી પરંતુ જુનાગઢ જિલ્લાનું તંત્ર અને કોરોના આંકડાકિય માહિતી સાથે સંકળાયેલા અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે.