મુંબઈમાં પેરામિલીટરી ફોર્સ તૈનાત કરવા તૈયારીઓ…
મહામારીને રોકવા લાદવામાં આવેલા લોકડાઉનમાં મુંબઈ પોલીસની હાલત દયનીય બની ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. હાલ મુંબઈમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ કોઈને કોઈ મુશ્કેલીનો ભોગ બની રહ્યાં છે. કોરોના મહામારીથી લોકોને બચાવવા માટે ખડેપગે જવાબદારી નિભાવી રહેલી પોલીસની ખુદની સુરક્ષા માટે કોઈ આયોજનો કરવામાં આવ્યા નથી. પરિણામે વાયરસનાં સંક્રમણમાં આવ્યા બાદ ટપોટપ પોલીસ જવાનો ક્વોરોન્ટાઈન થવા લાગ્યા હતા. ૫૦ ટકા પોલીસ જવાનો હાલ ક્વોર્ન્ટાઈન છે. કેટલાક પોલીસ અધિકારીઓ પોતે કોરોનાના સકંજામાં આવી ગયા હોય તેવું પણ સામે આવતા મુંબઈમાં કાયદો વ્યવસ્થા કથળે નહીં અને લોકો મહામારીમાં ધકેલાય તે માટે પોલીસની સાથે સાથે પેરામીલીટરી ફોર્સ પણ ઉતારવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યાં છે. તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પેરામીલીટરી ફોર્સ મંગાવવાની રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુંબઈમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. વર્તમાન સમયે મહારાષ્ટ્ર કોરોના વાયરસના સૌથી વધુ કેસ ધરાવે છે. મહારાષ્ટ્રમાં ૯૦ ટકા કેસ મુંબઈ અને પુનામાંથી સામે આવતા હોવાનું જાણવા મળે છે. આવી સ્થિતિમાં પોલીસ સુરક્ષા ખડેપગે કરી રહી છે પરંતુ લાંબી-લાંબી શીફટ, વાયરસથી રક્ષણ માટે સંશાધનોનો અભાવ સહિતના મુદ્દે પોલીસ કર્મચારીઓનું મનોબળ તૂટી રહ્યું હોવાનું ફલીત થઈ રહ્યું છે. દેશની સૌથી મોટી ઝુંપડપટ્ટી ગણાતા ધારાવી વિસ્તારમાં હાલ કોરોનાના કેસ માઝા મુકી રહ્યાં છે. અતિ ગીચ ધરાવતી વિસ્તારમાં ઝડપથી કોરોના પ્રસરે તેવી દહેશત વચ્ચે પોલીસને મામલો સંભાળવો ધીમે ધીમે મુશ્કેલ પડી રહ્યો છે.
વર્તમાન સમયે દેશમાં મુંબઈ, અમદાવાદ, પુના, સુરત જેવા મોટા શહેરોમાં કોરોનાનો કકળાટ વધુ પ્રમાણમાં છે. પોલીસ કર્મચારીઓ લોકોને બહાર નીકળતા રોકી રહ્યાં છે. લોકો ઘરમાં રહે અને વાયરસથી સુરક્ષીત રહે તેવા હેતુથી દિવસ-રાત ફરજ નિભાવે છે. જો કે, ઘણી જગ્યાએ પોલીસ પોતે સુરક્ષીત નથી. ૫૦ ટકા પોલીસ જવાનોને સંક્રમણ લાગ્યું હોવાની દહેશતના પગલે ક્વોરેન્ટાઈન કરાયા છે. સેનેટાઈઝર, માસ્ક પહેરવા સહિતની બેદરકારીના પગલે મોટા શહેરોની પોલીસ હવે લોકડાઉન વધવાની સાથે મનોબળ પણ ગુમાવી રહી છે. તાજેતરમાં મુંબઈના મ્યુનિ.કમિશનરને બદલવામાં આવ્યા હતા. આરોગ્યની સગવડો મજબૂત બને તે માટે લાંબા સમયથી પ્રયાસો થાય છે. પરંતુ વસ્તી ગીચતા વધુ હોવાના કારણે મુંબઈ જેવા મહાનગરોમાં રોગચાળો વધુને વધુ વકરી રહ્યો છે.
નોંધનીય છે કે, મુંબઈ સહિતના મહાનગરોની પોલીસ ફોર્સ ૨૪ થી ૪૮ કલાકની લાંબી ડયુટી કરતી હોવાનું સામે આવી રહ્યું છે. કેટલાક અધિકારીઓ સતત ખડેપગે જોવા મળે છે. આવા સંજોગોમાં પોલીસની મોરલ તૂટે નહીં તે માટે પેરામીલીટરી ફોર્સ મુંબઈમાં તૈનાત કરવામાં આવે તેવી શકયતા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ બાબતે માંગણી પણ કરી છે. મુંબઈની હાલત આગામી સમયમાં ન્યુયોર્ક જેવી ન થાય તેવી દહેશત છે. ન્યુયોર્કમાં હજ્જારો લોકો મહામારીના પગલે મોતને ભેટી ચૂકયા છે. ન્યુયોર્કની જેમ મુંબઈ પણ વિશ્ર્વનું આર્થિક મોરચે મોટુ શહેર છે.