કોરોનાના નવા કેસ ઘટતા નિયંત્રણો હળવા કરવા કેન્દ્ર સરકારે રાજયોને પત્ર લખ્યા બાદ આજે ગુજરાતમાં નવી જાહેર થનારી ગાઇડલાઇનમાં મોટી છુટછાટ મળવાની સંભાવના
અબતક, રાજકોટ
દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર હવે પૂર્ણતાના આરે છે નવા કેસમાં મોટો ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજયોને કોવિડ નિયંત્રણોમાં છુટછાટ આપવા પત્ર લખ્યા છે રાજયમાં આજે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર થવાની છે. તેમાં આઠ મહાપાલિકામાંથી રાત્રિ કરફયુ ઉઠાવી લેવાની તથા માસ્ક મરજીયાત કરવાની ઘોષણા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે હોટલ-રેસ્ટોરન્ટ પણ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની મંજુરી મળી શકે છે જયારે લગ્ન પ્રસંગ, ધાર્મીક કાર્યક્રમોમાં લોકોને ભેગા કરવાની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી શકે છે. આજે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં કોર કમિટીની બેઠક મળશે જેમાં નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.
રાજકોટ, અમદાવાદા, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢ સહિત રાજયની આઠ મહાનગરપાલિકામાં હાલ રાત્રિના 1ર થી સવારના પાંચ વાગ્યા સુધી કરફયુ અમલમાં છે જેની મુદત આવતીકાલે સવારે પૂર્ણ થઇ રહી છે.
દરમિયાન ગઇકાલે કેન્દ્ર સરકારે રાજય સરકારને કોવિડ ગાઇડલાઇનમાં છુટછાટ આપવા પત્ર લખ્યો છે. આજે જાહેર થનારી કોરોનાની નવી ગાઇડ લાઇનમાં છુટછાટ આપવામાં આવી શકે છે આઠ મહાપાલિકાને રાત્રિ કરફયુ ઉઠાવી લેવામાં આવે તેવી સંભાવના રહેલી છે. જો કરફયુ સઁપૂર્ણ પણે ઉઠાવી લેવામાં નહીં આવે તો તેમાં કલાકોમાં ઘટાડો કરવામાં આવશે.
આ અગાઉ મુખ્યમંત્રી રાજયમાં ફરજિયાત માસ્કતમાંથી મુકિત આપવામાં આવશે તેવા સંકેતો આપી ચૂકયા છે. આવતીકાલથી માસ્ક મરજીયાત કરી દેવામાં આવશે તેવી શકયતા પણ જણાય રહી છે. હાલ હોટલ- રેસ્ટોરન્ટ ક્ષમતામાં 75 ટકા સાથે ચલાવવાની છુટ છે જે હટાવી લેવામાં આવશે રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મીક કાર્યક્રમોમાં 1પ0 લોક, જયારે ખુલ્લામાઁ યોજાતા લગ્ન પ્રસંગમાં 300 વ્યકિતઓ અને બંધ સ્થળોએ યોજતા લગ્નમાં 1પ0 માણસો વ્યકિતઓ ભેગા કરવાની છુટ આપવામાં આવી શકે છે અંતિમ ક્રિયામાં પણ માણસો ભેગા કરવાની પાબંધી ઉઠાવી લેવામાં આવશે.
થિયેટરો, જીમ, વોટર પાર્ક, સ્વિમીંગ પુલ, લાયબ્રેરી, ઓડિયોરિયમ, કોચીંગ કલાસ પ0 ટકા ક્ષમતાની બદલે પૂર્ણ ક્ષમતાથી ચાલુ રાખવાની છુટછાટ આપવામાં આવી શકે છે. આજે સાંજે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર થશે જેમાં મોટી છુટછાટ જાહેર થવાની શકયતા છે.