ડરો મત, સાવચેતી જરૂરી
કોરોનાના કેસો ફરી ધીમી ગતિએ વધવા તરફ છે. જો કે આનાથી ડરવાને બદલે સાવચેત રહેવું જરૂરી છે. રાજ્યમાં 104 દિવસ બાદ એક્ટિવ કેસની બેવડી સદી લાગી છે એટલે કે એક્ટિવ કેસની સંખ્યા 200 પાર પહોંચી છે.
કોરોનાએ હજુ પણ પીછો છોડ્યો ન હોય, તેમ કેસમાં વધારો ઘટાડો સમયાંતરે આવ્યા કરે છે. સરકારી ચોપડે નોંધાતા કેસ પ્રમાણે ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છીએ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રવિવારના રોજ અમદાવાદમાં 26, મહેસાણામાં 6, સુરત અને વડોદરામાં 4, ભાવનગરમાં 3, કચ્છમાં 2, રાજકોટ અને મોરબીમાં એક-એક કેસ મળી કુલ 48 કેસ નવા નોંધાયા છે. જેને પરિણામે 104 દિવસ બાદ એક્ટીવ કેસની સંખ્યા 200 ઉપર પહોંચી છે. હાલ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 213એ પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હાલ 213 એક્ટિવ કેસમાં એક દર્દી વેન્ટિલેટર ઉપર છે.
દેશમાં 114 દિવસ બાદ રોજિંદા કેસ 500ને પાર પહોંચ્યા
દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારવાનું શરૂ કર્યું છે. શનિવારે 114 દિવસ બાદ ફરી એકવાર નવા કેસનો આંકડો 500ને વટાવી ગયો છે. ભારતમાં શનિવારે કુલ 524 નવા કોરોના કેસ નોંધાયા હતા, જે ગયા વર્ષે 18 નવેમ્બર પછી સૌથી વધુ છે. છેલ્લા સાત દિવસમાં દેશમાં કુલ 2671 નવા કોરોના કેસ નોંધાયા છે. જો આના એક અઠવાડિયા પહેલાની વાત કરીએ તો કોરોનાના કેસમાં 50 ટકાનો ઉછાળો આવ્યો છે. તે અઠવાડિયે કુલ 1802 કેસ નોંધાયા હતા. છેલ્લા ચાર અઠવાડિયાથી કોરોનાના કેસમાં થોડો વધારો થયો છે. ગયા વર્ષે જૂન-જુલાઈમાં કોરોનામાં ઉછાળો આવ્યા બાદ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્ર અને કેરળમાં કેસ ઝડપથી વધ્યા
મહારાષ્ટ્ર અને દક્ષિણ રાજ્યોમાં વધુ કેસ જોવા મળી રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં કર્ણાટકમાં 584 નવા કેસ, કેરળમાં 520 અને મહારાષ્ટ્રમાં 512 નવા કેસ નોંધાયા છે. આ એવા રાજ્યો છે જે કોરોનાના લહેરથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. કોરોનાએ સૌથી પહેલા કેરળમાં કહેર મચાવ્યો હતો. તે જ સમયે, મહારાષ્ટ્રમાં પણ પ્રથમ અને બીજા લહેરમાં મોટી સંખ્યામાં કેસ આવ્યા અને લોકોના મોત પણ થયા.