ઓઈલ એન્ડ ગેસ, બેન્કિંગ અને ઓટો સેકટરમાં લેવાલીની જમાવટ: રોકાણકારોને હાશકારો

કોરોના વાયરસના વધતા કેસની સાથો સાથ રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખામણીએ ભારતનો ખુબજ વધુ છે. ઉપરાંત આજથી લોકડાઉનમાં પણ બહોળી છુટછાટ મળી જતાં સેન્સેકસમાં તેજીનું તોફાન ફરી વળ્યું છે. આજે શેરબજાર ઉઘડતાની સાથે જ બુલનું જોર જોવા મળ્યું હતું. ખુલતાની સાથે જ ઉછાળા સાથે શેરબજાર ઉપરની તરફ આગળ વધ્યું હતું. સેન્સેકસમાં ૩૩૩૩૦ સપાટી તૂટી હતી. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૯૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૩૩૩૫એ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેકસની સાથો સાથ નિફટીમાં પણ આજે લેવાલીનું જોર વધ્યું હતું. નિફટી-ફિફટીમાં ૨૬૦ આંકનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફટી-ફિફટી અત્યારે ૯૮૪૦ના આંક પર ટ્રેડ થઈ રહી છે. નિફટી-ફિફટીના ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ, સ્ટીલ, બજાજ ફાયનાન્સ, એકસીસ બેંક, ટાઈટન અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા ટોચના શેર ૪.૫ થી ૭ ટકા સુધી ઉછળ્યા છે. આ ઉપરાંત એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દાલકો, કોટક મહિન્દ્રા, એસ્સાર અને ઈન્ડુસીન્ડ બેંકમાં પણ લેવાલીનું જોર જોવા મળ્યું છે.

આજે બેન્કિંગ સેકટરના લગભગ તમામ શેરોમાં ૨ થી ૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને આઈડીએફસી ફર્સ્ટ બેંક, એકસીસ અને પંજાબ નેશનલ બેંકના શેર ૫ ટકા સુધી ઉછળવામાં સફળ રહ્યાં હતા. આરબીએલ, બંધન બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંકના શેરમાં પણ તેજી જોવા મળી હતી. આજે દેશમાં કોરોનાના કેસની સંખ્યા ખુબજ વધી ચૂકી છે. તેની સામે રિકવરી રેટ પણ ૫૦ ટકા સુધીનો જોવા મળ્યો છે. ઉપરાંત આજથી લોકડાઉનમાં પણ અપાયેલી બહોળી છુટછાટની અસર શેરબજાર પર જોવા મળી છે. છુટછાટના કારણે આગામી સમયમાં ફરી અર્થતંત્રની ગાડી પાટા પર ચડશે તેવા આશાવાદ વચ્ચે શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે.

ખાસ કરીને બેન્કિંગ સેકટરમાં ૪ ટકાનો સરેરાશ ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ તેમજ ઓટો મોબાઈલ સેકટરમાં પણ ૨.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. મીડકેપ અને સ્મોલ કેપમાં પણ રોકાણકારોએ ખરીદી કરી છે. નોંધનીય છે કે, એસજીએક્સ, નિફટી, નિક્કી, કેઓએસપીઆઈ અને તાઈવાન હાઈટ સહિતના શેરબજારોમાં આવેલી તેજીની અસર પણ ભારતીય શેરબજાર પર મહદઅંશે જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.