ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પાંચ જિલ્લામાં કોવિડ-૧૯ વિજય રથને ઇ-ફ્લેગથી પ્રસ્થાન કરાયું

કોવિડ-૧૯ વિજય રથ રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૯૦ જેટલા તાલુકામાં ભ્રમણ કરી લોકોને કોરાના પ્રત્યે જાગૃત કરીને પ્રજા કલ્યાણલક્ષી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરશે

આજથી રાજ્યના પાંચ જિલ્લામાં પ્રસ્થાન કરાવેલ કોવિડ-૧૯ વિજય રથ ગુજરાતમાં કોરોના મહામારી સામે જાગૃતિ લાવીને રાજ્યમાં સૌનો સાથ સૌના સહકારથી કોરોના સામે જંગ જીતવાની રાજ્ય સરકારની સંકલ્પનાને વધુ મજબુત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે જૂનાગઢ, ભુજ-કચ્છ, બનાસકાંઠા, સુરત અને અમદાવાદ એમ પાંચ જિલ્લામાં કોવિડ-૧૯ વિજય રથનું ગાંધીનગરથી ઇ-ફ્લેગથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કોવિડ-૧૯ વિજય રથના આયોજન બદલ આયોજકોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આપણા સૌના સંકલિત પ્રયાસોથી ગુજરાતમાં કોરોનાને હરાવવા ચોક્કસ સફળતા મળશે. રાજ્ય સરકારના સઘન પ્રયાસો અને લોકોના સહયોગથી ગુજરાતમાં કોરોના રિકવરી રેટ ૮૨ ટકા સુધી પહોંચ્યો છે જ્યારે મૃત્યુ દર ૭ ટકાથી ઘટાડીને ૨.૯ ટકા સુધી લાવી શક્યા છીએ. દેશના સરેરાશ ૮થી ૯ ટકા પોઝિટિવ રેટ સામે ગુજરાતમાં ૩.૫ થી ૪ છે. ગુજરાતમાં ધન્વંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ હેલ્પલાઇન અને હવે કોવિડ-૧૯ વિજય રથના માધ્યમથી આપણે કોરોના સામેનું યુદ્ધ જીતવાની દિશામાં આગળ વધી રહ્યા છે તેમાં આપણો ચોક્કસ વિજય થશે તેવી મુખ્યમંત્રીએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોના સામેની લડાઇમાં ગુજરાત રોલ મોડલ સાબિત થયું છે. ગુજરાતમાં કોરોના સામે જંગ જીતવા ધન્વંતરી રથ, ૧૦૪ હેલ્પ લાઇન જેવી વ્યવસ્થાઓની WHO દ્વારા સરાહના કરવામાં આવી છે. આ ઉપરાંત સુપ્રીમકોર્ટ દ્વારા પણ ગુજરાતમાં તબીબો દ્વારા કોરોનાના દર્દીઓને અપાતી સેવાની ખાસ નોંધ લેવામાં આવી છે. તાજેતરમાં પ્રતિષ્ઠિત સંસ્થા IIM-અમદાવાદ દ્વારા પણ ગુજરાતમાં કોરોના સામેના રાજ્ય સરકારના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને નિયંત્રણમાં લેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. PIB, ગુજરાત યુનિવર્સિટી અને UNICEFના સંયુક્ત પ્રયાસોથી આ વિજય રથના પ્રારંભ બદલ મુખ્યમંત્રીએ સૌ આયોજકોને અભિનંદન આપીને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર જનરલ  ધીરજ કાકડીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિજય રથની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સાવચેતીને સંગ જીતીશું જંગ તેમજ સરકારને સંગ જીતીશું જંગના ધ્યેય મંત્ર સાથે આ કોવિડ-૧૯ વિજય રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. PIB, ગુજરાત યુનિવર્સિટી અને UNICEFના સંકલિત

પ્રયાસોથી સંચાલિત આ કોવિડ-૧૯ વિજય રથ રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૯૦ જેટલા તાલુકામાં ૪૪ દિવસ ભ્રમણ કરી લોકોને કોરાના પ્રત્યે જાગૃત કરશે તેમજ કેન્દ્ર સરકારની પ્રજા કલ્યાણલક્ષી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરશે. આ રથ પ્રતિદિન ૬૦ કી.મી. જેટલું અંતર કાપશે જેમાં રાજ્યભરના ૩૫૦થી વધુ વિવિધ કલાકારો પરંપરાગત માધ્યમોથી કોરોના સામે સાવચેતીના પગલાં અંગે સંદેશો આપશે. આ ઉપરાંત જે લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે તેવા કોરોના વિનર્સનું પણ સન્માન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.