છાત્રો, શિક્ષકો આખો પરિવાર હવે કોરોના સંક્રમીત થવા માંડયા: રાજયમાં એક દિવસમાં 177 કેસ: એકિટવ કેસ 947 એ પહોચી ગયો
રાજકોટ સહિત રાજયભરમાં જાણે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ રવિવારે સતત બીજા દિવસે કોરોનાના પોણા બસ્સોથી વધુ કેસ નોંધાયા હતા. રાજકોટમાં કોરોનાનો બ્લાસ્ટ થયો હોય તેમ શહેરમાં 24 અને જિલ્લામાં 12 સહિત 36 કેસ નોંધાતા ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. શાળાના છાત્રો, શિક્ષકો અને પરિવારના તમામ સભ્યો હવે સંક્રમીત થવા માંડયા છે. સતત સંક્રમણ વધતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.રાજયમાં એકિટવ કેસનો આંક પણ 948 એ પહોચી જવા પામ્યો છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોય સરકાર સતર્ક બની ગઈ છે.
રાજયમાં શનિવારે કોરોનાના 179 કેસ નોંધાયા બાદ રવિવારે સતત બીજા દિવસે કોરોનાના પોણા બસ્સોથી વધુ કેસ નોંધાયા છે.અમદાવાદમાં સૌથી વધુ 53 કેસો નોંધાયા છે. રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં કોરોનાના 24 કેસ અને રાજકોટ જિલ્લામાં 12 કેસ સહિત કુલ 36 કેસો નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 25 કેસ, વડોદરામાં 16 કેસ, વલસાડમાં 8 કેસ, જામનગરમાં પાંચ કેસ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લો, ખેડા, ગાંધીનગર, કચ્છ જિલ્લામાં ચાર-ચાર કેસ,બનાસકાંઠા વિસ્તારમાં ત્રણ કેસ આણંદ જિલ્લા, ભાવનગર જિલ્લા, જૂનાગઢ જિલ્લામાં બે -બે કેસ, ભરૂચ, મહેસાણા, નવસારી પંચમહાલ, સાબરકાંઠા અને તાપી જિલ્લામાં એક એક કેસ નોંધાયો છે.
રાજકોટ શહેરમાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 24 કેસો નોંધાતા શહેરભરમાં ડરનું લખલખું પ્રસરી જવા પામ્યું છે. ગઈકાલે 13 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. હાલ 76 દર્દીઓ સારવાર હેઠળ છે.
કુલ કેસનો આંક 43012 પહોચ્યો છે. વોર્ડ નં.11માં આરકેસી સ્કુલના વિદ્યાર્થી સહિત એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનાના સંકજામાં જકડાયા છે.
આ ઉપરાંત એસએનકે સ્કુલમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમીત થયા છે.તાન્ઝાનીયા, પાલિતાણા, જામકંડોરણા, દુબઈ, અમદાવાદ, ચોપરા,ની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. રાજકોટ શહેરની માફક જિલ્લામાં કોરોનાએ ભરડો લીધો છે.
જેતપૂર તાલુકાના અમરનગરમાં ત્રણ વિદ્યાથીઓ, જામકંડોરણાના બરાડાપામાં 60 વર્ષના વૃધ્ધ, ઉપલેટામાં 21 વર્ષના યુવાન અને 43 વર્ષની યુવતી જયારે ધોરાજીમાં 48,50 અને 35 વર્ષના પુરૂષ કોરોનાથી સંક્રમીત થટા છે.
રાજયમાં હાલ કોરોનાના કુલ 947 એકિટવ કેસ છે.અત્યાર સુધક્ષમાં કોરોનાથી 10113 નાગરીકોનાં મોત નિપજયા છે.