જૂનાગઢ જિલ્લામાં એકસાથે બે વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ: શાળા બંધ કરાવાઈ
એક તરફ કોરોનાનો કહેર શાંત થતા માંડ તંત્ર અને પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે. બજાર હજુ રિકવર થઈ રહી છે અને તહેવારોની સીઝનમાં અર્થતંત્રરૂપી ગાડી પાટે ચડશે તેવી ધારણા વચ્ચે તહેવારો નજીક આવતા જ ફરીવાર કોરોનાના કેસો નોંધવા લાગતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગઈકાલે પંજાબથી રાજકોટ આવેલા મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વધુ એક કોરોના સંક્રમણનો કેસ શહેરમાં નોંધાયો છે
. બીજી બાજુ જૂનાગઢ જિલ્લાની એક શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના વાયરસ છેલ્લા દોઢેક વર્ષથી વિશ્વ આખાને બાનમાં લઈ દંઝાડી રહ્યો છે. જો કે હાલ કોરોનાની ગતિ મંદ પડતાં સ્થાનિક તંત્ર, સરકાર સહિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ હજુ કોરોનાની ગતિને હળવાશમાં ન લઈ શકાય. રાજ્યમાં કેસ જરૂર ઘટ્યા છે પણ વાયરસ ઊથલો જરૂર મારી શકે છે આથી રસીકરણ અને સાવચેતી જ એક મોટા હથિયાર સમાન છે. આ ચિંતા વચ્ચે કેશોદ તાલુકાના મેસવાણમાં કોરોનાના કાળા વાદળો ઘેરાયા છે. તહેવારોની સિઝન વચ્ચે કુલ 17 લોકો કોરોનાની ઝપેટમાં આવતાં તંત્રની ચિંતા વધી છે તો સાથે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
મેસવાણની સરકારી પે.સેન્ટર શાળાના ત્રણ વિધાર્થી કોવીડ-19 પોઝીટીવ આવતા ચિંતા વધી છે. ત્રણેય વિધાર્થીને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. શાળામાં કુલ 385 વિદ્યાર્થીઓ હોય અન્ય વિધાર્થીની પણ કોવીડની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે. સરકારી પે.સેન્ટર શાળા 11 થી 16 ઓકટોબર સુધી બંધ રાખવાનો આદેશ કરાયો છે.
અત્યારે હાલ મેસવાણમાં કુલ 17 લોકો કોરોના પોઝીટીવ આવતાં અહી નવરાત્રીની ઉજવણી પર સંપૂર્ણપણે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ગામ લોકોએ આરોગ્ય વિભાગને પરપ્રાંતિય મજુરોના ટેસ્ટ કરવા અને તેમનું રસીકરણ કરાવવા અપીલ કરી છે.