ગાઈડલાઈનનો અમલ અને રસીકરણ જ કોરોના સામેના જંગમાં આપણને જીત અપાવશે: એઈમ્સના ડોક્ટર્સ
ચાલો સાથે મળી મહામારીને મારીએ: તમામ લોકો જવાબદારી સ્વિકારી નિયમોનું પાલન કરી કોરોનાને નાથીએ
કોરોના વાયરસના કાળા કહેરે વિશ્ર્વભરને બાનમાં લઈ લીધું છે. એમાં પણ હાલની પરિસ્થિતિએ કોરોના જે રીતે દેશમાં ધમાસાણ મચાવી રહ્યો છે, તેમાં ભારતે વિશ્ર્વભરના દેશોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કોરોના દેશમાં દરરોજ નવો આંકડો સર કરી રહ્યો છે. ચો તરફ જોઈએ તો કોરોના… કોરોનાની જ ચર્ચા થઈ રહી છે. વધતા કેસના મહાસંકટ વચ્ચે મૃત્યુદર પણ વધ્યો છે. એમાં પણ ‘પ્રાણવાયુ’ની ઘટે મૃત્યુનું મહાતાંડવ સર્જયું હોય તેવી વિકટ સ્થિતિ ઉભી થઈ છે. તમામ દેશવાસીઓ, સરકાર તેમજ ડોકટર-વૈજ્ઞાનિકો કોરોનાની આ વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ વચ્ચે અને આ પ્રયાસને બળ મળે તેવા સમાચાર છે. ભારતના ટોચના ડોકટર્સ, નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી ત્રણ જ અઠવાડિયામાં કોરોના કેસના દરમાં જબરદસ્ત ઘટાડો થઈ શકે છે. જો આપણે મહામારીના આ મહાસંકટમાંથી જટ ઉભુ થવું છે તો આપણે બધાએ એક થઈ જવાબદારી ઉપાડી નિયમનું પાલન ફરજીયાત પણે કરવું જોઈએ. કોરોના સામેના યુધ્ધના આ જંગમાં તેને નાથવાના સતત પ્રયાસમાં રહેવું જોઈએ. આગામી 20થી 21 દિવસના ગાળામાં કોરોના કાબુમાં આવી શકે છે. પોઝીટીવીટી રેટ 5 ટકાથી પણ નીચે સરકી શકે છે. પરંતુ આ માટે નિયમોનું પાલન અનિવાર્ય શરત છે.
દિશા-નિર્દેશનું પાલન કરીશું તો આગામી 20થી 21 દિવસના ગાળામાં
સમગ્ર દેશનો પોઝિટીવ રેટ 5%થી નીચે આવી જશે
જણાવી દઈએ કે હાલ દેશમાં કોરોના આતંક મચાવી રહ્યો છે આ પરિસ્થિતિનો તાગ મેળવવા ગઈકાલે સાંજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ એટલે કે એઈમ્સના અને દેશના ટોચના ડોક્ટર-નિષ્ણાંતોની વર્ચ્યુઅલ બેઠક મળી હતી જેમાં ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(એઈમ્સ)ના મેડિસિન ડિપાર્ટમેન્ટના વડા ડો.નવીત વિગ કહ્યું કે, ભારત આગામી ત્રણ અઠવાડિયામાં પોઝિટિવિટી રેટને પાંચ ટકાથી નીચે લાવી શકે છે. આપણે બધા જવાબદારી સ્વીકારીશું અને કોરોના સામે યોગ્ય વર્તણૂકનું પાલન કરીશું તો આગામી ત્રણ અઠવાડિયામાં ભારતમાં પોઝિટિવિટી રેટને પાંચ ટકાથી નીચે લાવી શકીશું. એઇમ્સ-દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા, આરોગ્ય સેવાઓ(ડીજીએચએસ)ના ડાયરેક્ટર જનરલ સુનિલ કુમાર અને મેદાંતાના અધ્યક્ષ ડો.નરેશ ત્રહેન સહિતના નિષ્ણાંતો જોડાયા હતા.
હેલ્થ વર્ક્સને કોરોનાની ઝપેટમાં આવતા બચાવીએ, આપણે “હેલ્ધી” રહીશું
તો અર્થવ્યવસ્થાને પણ “હેલ્ધી” રાખી શકીશું- ડૉ.નવીત વિગ
તેમણે કહ્યું કે આ માટે તમામ જિલ્લા સ્તરેથી કામ કરવું પડશે. જિલ્લા લેવલે ધ્યાન રાખી અધિકારીઓએ પોઝિટિવ દરની સતત દેખરેખ રાખવી પડશે અને તેને 1-5 ટકાથી નીચે રાખવાનો લક્ષ્યાંક રાખવો પડશે. એક તબક્કે મુંબઇમાં 26 ટકાનો પોઝિટિવિટી રેટ હતો પરંતુ ગંભીર પ્રતિબંધો પછી તે નીચે આવીને 14 ટકા થઈ ગયો છે. દિલ્હી 30 ટકા પોઝિટીવ રેટ પર લડત ચલાવી રહ્યું છે. જેમાં પણ કડક પ્રતિબંધો લાદવા જોઈએ. ડોક્ટરોએ કહ્યું, કે “જો આપણે આ રોગને હરાવવો હોય તો આપણે હેલ્થકેર કર્મચારીઓને પ્રથમ બચાવવા પડશે. ઘણા જિલ્લાઓમાં હેલ્થવર્કર પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જો આપણે હેલ્થકેર કર્મચારીઓને બચાવીશું તો તેઓ દર્દીઓને બચાવી શકશે. જો આપણે બંનેને બચાવીશું તો જ અર્થવ્યવસ્થાને બચાવી શકીશું. આ આખી ચેઈન છે તો દરેક આ તબક્કે સાવચેતી રાખવામાં આવશે તો સંપૂર્ણ દેશ ટૂંક સમયમાં કોરોના મુક્ત થઈ જશે અને કોરોનાની ચેન તોડવામાં સરળતા રહેશે.