કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાના પગલે કફર્યુ લદાય તેવી શકયતા: વહીવટી તંત્ર રાજ્ય સરકારના સતત સંપર્કમાં, સ્થાનિક કક્ષાએ બેઠકોનો ચાલતો દૌર
અમદાવાદમાં રાત્રી કફર્યું જાહેર થયા બાદ હવે રાજકોટમાં પણ રાત્રી કફર્યું લાદવામાં આવે તેવી શકયતાઓ જોવા મળી રહી છે. છેલ્લા થોડા દિવસમાં રાજકોટમાં કોરોનાના કેસમાં આવેલા નોંધપાત્ર ઉછાળાથી તંત્ર અને સરકાર બન્ને સ્તબ્ધ બન્યા છે જેના પગલે હવે રાત્રી કફર્યું માટે વિચારણા ચાલી રહી છે. આજે સવારથી વહીવટી તંત્ર રાજ્ય સરકારના સતત સંપર્કમાં રહ્યું છે અને સ્થાનિક કક્ષાએ બેઠકોનો દૌર ચલાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં કોરોનાની બીજી લહેર આવતા રાત્રી કફર્યું જાહેર કરી દેવામાં આવ્યું છે. રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી ઈમરજન્સી વગર બહાર નીકળવા પર પ્રતિબંધ જારી કરી દેવામાં આવ્યો છે. રાજકોટમાં પણ આજ સ્થિતિ જોવા મળી રહી છે. કોરોનાના કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે. તહેવારોની સીઝનમાં લોકોએ બેખૌફ બનીને ગાઈડ લાઈનનું ભરપુર ઉલ્લંઘન કર્યું હતું. જેના પરિણામો હાલ મળી રહ્યાં છે. કોરોનાના કેસોમાં આવેલા આ ઉછાળાથી તંત્ર અને સરકાર બન્ને ચિંતીત બન્યા છે. જેથી રાજકોટમાં પણ રાત્રી કફર્યુ લાદવાની વિચારણા ચાલી રહી હોવાનું જિલ્લા કલેકટર રેમ્યા મોહને સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ અંગે સાંજ સુધીમાં નિર્ણય જાહેર કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં રાત્રી કફર્યું જાહેર કરવું કે નહીં તે અંગે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સંકલનમાં રહીને વિચારણા કરી રહ્યાં છે. સાંજ સુધીમાં આ અંગેનો નિર્ણય જાહેર થનાર છે.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને લોકોને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. લોકોએ કોઈપણ પ્રકારની અફવાથી દોરવાઈ પેનિક નહીં થવા ખાસ વિનંતી કરી છે. રાજકોટ વાસીઓને હાલની પરિસ્થિતિમાં ખાસ સાવધાની રાખવા, બિનજરૂરી બહાર નહીં નીકળવા અને લોકો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ વારંવાર હાથ ધોઈ કોરોના સંક્ર્મણથી સચેત રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું.
આજરોજ કલેકટર રેમ્યા મોહને રાજકોટ શહેર તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે આરોગ્ય સંબંધી સમીક્ષા બેઠક યોજી હતી. હાલ વિભાગીય તંત્ર કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનું અને તંત્ર દ્વારા તમામ ટેસ્ટિંગ બુથ શરુ કરી દેવામાં આવ્યા હોવાનું કલેકટરે જણાવ્યું હતું. હાલ રાજકોટ શહેરમાં પૂરતો મેડિકલ સ્ટાફ, વેન્ટિલેટર, દવાઓ સહીત હોસ્પિટલ્સમાં 2000 થી વધુ બેડ ઉપલબ્ધ હોવાનું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે.
રાજકોટમાં તમામ વોર્ડમાં ટેસ્ટિંગ બુથ તમજ વધારાના બુથ શરુ કરવામાં આવ્યાનું કલેકટરે જણાવ્યું છે. લોકો બિલકુલ ગભરાયા વગર જરૂર જણાય તો કોરોના ટેસ્ટ કરાવે તેમ ખાસ ભારપૂર્વક તેમેણે જણાવ્યું છે. રાજકોટ શહેરની પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે, તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું અને લોકોએ બિલકુલ ગભરાવવું નહીં પરંતુ કોરોના સંક્રમણથી બચવા પૂરતી તકેદારી રાખવા કલેકટર તેમજ વહીવટી તંત્ર દ્વારા ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે.