રાજકોટ સહિત રાજયની આઠ મહાપાલિકાઓમાં રાત્રિ કરફયુના કલાકોમાં બે કલાકનો વધારો કરાયો: હવે 11 થી 5 સુધી સંચારબંધી: દુકાનો 11 વાગ્યે બંધ કરી દેવી પડશે: થર્ટી ફર્સ્ટની ઉજવણી પણ હવે ઘરમાં જ કરવી પડશે: કેસ વધશે તો હજી કડક નિયંત્રણોેની સંભાવના
રાજયમાં શુક્રવારે કોરોનાના 98 કેસ નોંધાયા: એકિટવ કેસનો આંક 700ની નજીક
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્રીજી લહેરની શરૂઆતતો નથી થઈ ગઈને ? તેવી કલ્પનાથી જનતા થરથર કાપી રહી છે. કોરોનાનું સંક્રમણને રોકવા માટે રાજય સરકારે આકરા નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. રાજકોટ સહિત રાજયની આઠ મહાપાલિકા વિસ્તારમાં હાલ રાત્રીનાં 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કરફયું અમલમાં હતો જેમાં આજથી બેકલાકનો વધારો કરવામાં આવ્યો છે. હવે આજથી રાત્રીનાં 11 વાગ્યાથી રાત્રી કરફયુ લાગુ થઈ જશે. નવા વર્ષ 2021ને વિદાય આપવા અને વર્ષ 2022ના વધામણા પર ઘરમાં પુરાઈને જ કરવાની રહેશે. જો કોરોનાના કેસમાં હજી વધારો થતો રહેશે તો હજી આકરા પ્રતિબંધો મૂકવામા આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
કોરોનાને રોકવા માટે ગત માર્ચ 2020માં કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર, અને જૂનાગઢમાં રાત્રી કરફયું અમલમાં છે.સમયાંતરે કલાકોમાં ફેરફાર કરવામાં આવે છે. ગત 20મી ડિસેમ્બરના રોજ રાજય સરકારના અંતિમ નોટિફિકેશનમાં 31મી ડીસેમ્બર સુધી આઠ મહાપાલિકાઓમાં રાત્રીનાં 1થી સવારના પાંચ વાગ્યા સુધી કરફયું અમલમાં મૂકવામાં આવ્યો હતો.
દરમિયાન કોરોનાના કેસ વધતા ગઈકાલે સાંજે નવુ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.જેમાં આજથી 31મી ડિસેમ્બર સુધી રાજકોટ સહિત આઠ મહાપાલિકાઓમાં રાત્રીનાં 11 થી 5 વાગ્યા સુધી કરફયું અમલમાં રહેશે થર્ટીફર્સ્ટની ઉજવણી પણ ઘરમાં રહીને કરવાની રહેશે. 31મી બાદ પણ રાત્રી કરફયુની અવધીમાં વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
8 શહેરોમાં તમામ દુકાનો, રેસ્ટોરેન્ટસ, વાણિજયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી બજાર, હાટ, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ હાલ રાત્રીનાં 12 કલાક સુધી ખૂલ્લા રાખી શકાય છે.જેમા ફેરફાર કરતા આજ રાત્રીનાં 11 કલાક સુધી ચાલુ રાખી શકાશે. તા.30.11 હુકમોની અન્ય બાબતો તા.31.12 સુધી યથાવત રહે છે.
રાજકોટ જિલ્લામાં ફરી એકવાર કોરોના ફુફાળો મારી રહ્યો છે. ગઈ કાલે શહેરમાં 7 અને ગ્રામ્યમાં 3 કેસ મળી કુલ 10 લોકો સંક્રમિત થયાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં રહેતા 41 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે. ત્રણેય લોકોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેમાં ઉપલેટા શહેરમાં રહેતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે બીજો કેસ જામકંડોરણામાં રહેતા 72 વર્ષીય વૃદ્ધ અને ત્રીજો કેસ જેતપુર તાલુકામાં અમરનગર ગામમાં રહેતો સાત વર્ષીય બાળક સંક્રમિત થયો.
અમરનગરની કુમારશાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા ચિંતાઓ વધી છે, તેના સંપર્કમાં આવેલા 25 વિદ્યાર્થી અને બે શિક્ષકના એન્ટિજન ટેસ્ટ કરાતા નેગેટીવ આવ્યા છે. શાળાને એક સપ્તાહ માટે બંધ રાખવા નિર્ણય કરાયો છે.
જ્યારે રાજકોટ શહેરમાં કોરોનાના સાત કેસ આવ્યા છે. જેમાં વોર્ડ નં-9 માં આવેલા ભીડભંજન મેઈન રોડ વિસ્તારમાં રહેતી 14 વર્ષની વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી ઉત્તરાખંડની છે. જામનગર રોડ પર આવેલી એસએનકે શાળામાંથી ઉત્તરાખંડના પ્રવાસે ગઈ હતી. તેની સાથે શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓ હતા. ગત તા.22મી ડિસેમ્બરના રોજ પ્રવાસેથી પરત ફર્યા બાદ વિદ્યકરથીની શાળાએ ગઈ નથી.
શનિવારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ શાળાએ તપાસ માટે જશે અને પ્રવાસે ગયેલા તમામના સેમ્પલ લેવાની કામગીરી કરશે. આ સિવાયના અન્ય કેસમાં ગોવાથી આવેલા 24 વર્ષીય યુવક, ભાયાવદરથી આવેલ 56 વર્ષીય મહિલા, સરદાર સોસાયટી મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય મહિલા, સોમનાથ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય યુવક અને 25 વર્ષીય યુવતી સંક્રમિત થતાં હોમ આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં પણ ઓમિક્રોન સાથે કોરોનાની દહેશત પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 98 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 69 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં 32, સુરતમાં 19, વડોદરામાં 12, રાજકોટમાં 7, કચ્છમાં 6, વલસાડમાં 5, ખેડામાં 3, રાજકોટ ગ્રામ્યમાં 3, ગાંધીનગરમાં 2, જૂનાગઢમાં 2, નવસારીમાં 2, સાબરકાંઠામાં 2, ભાવનગર-ગીર સોમનાથ અને જામનગરમાં એક-એક કેસ પોઝિટિવ નોંધાયા છે.
ગુજરાતમાં હાલ 694 કોરોના એક્ટિવ દર્દીઓ છે. જેમાં 8 દરફીઓની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. તો 686 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
તો બીજી તરફ વધતા જતા કોરોના કેસ વચ્ચે ઓમિક્રોનના કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 43 ઓમિક્રોન સંક્રમિત કેસ નોંધાયા છે. જેમાં હાલ 35 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 8 દર્દીઓએ કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટને પણ મ્હાત આપી છે.