ધોરાજીમાં ચેઇન શરૂ થતાં એક સાથે ૯ લોકો કોરોનાની ઝપટે : આરોગ્ય તંત્રમાં દોડધામ
સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારા
રાજકોટમાં ગઈ કાલે કોરોનાનો વ્યાપ બેકાબુ બનીને વધ્યો હતો. એક જ દિવસમાં કોરોના ૨૫ પોઝિટિવ કેસ અને ૫ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા હતા. જ્યારે આજ રોજ સવારે વધુ બે નવા કેસ નોંધાયા છે. શહેરની સાથે તાલુકામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ સામે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધોરાજીમાં કોરોના સંક્રમણની ચેઇન બનતા એક દિવસમાં વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓ જામનગર, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓમાં કોરોના વ્યાપ બેકાબુ બન્યો છે.
રાજકોટમાં ગઈ કાલે જ્યારે વધુ ૨૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.લોકલ ટ્રાન્સમિશન દ્વારા કોરોના ચેપ બેકાબુ બન્યો છે. ગઈ કાલે શહેરના નવા વિસ્તારોમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. આજ રોજ શહેરમાં ભક્તિનગર વિસ્તારમાં અને ગોંડલ રોડ પર વધુ બે પુરુષો કોરોના સંક્રમણમાં સપડાયા છે. જ્યારે ગઈ કાલે ગાંધીગ્રામના કૈલાશબેન પટેલ(ઉ.વ.૬૭), રેસક્રોસ પાર્કના અરુણભાઈ ઠકરાર(ઉ.વ.૬૭), અનામિકા સોસાયટીના રાજુભાઇ સોલંકી (ઉ.વ. ૬૩) અને રૈયા રોડ પરના હસમુખભાઈ માણેક (ઉ.વ.૬૮) સહિત પાંચ દર્દીઓના વાયરસે ભોગ લેતા તંત્રમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
રાજકોટ જિલ્લામાં પણ કોરોના વાયુવેગે વધી રહ્યો છે. ખાસ કરીને ધીરાજી તાલુકામાં કોરોના ચેઇન બનતા પોઝિટિવ કેસની સંખ્યા ખૂબ ઝડપી વધી રહી છે. ગઈ કાલે ધોરાજીમાં વધુ ૯ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા હતા. હિરપરાવાડીમાં મોતીનગર અને રાજ લક્ષ્મી પાર્કમાં ૫૦ વર્ષીય નગરપાલિકા કચેરીમાં કાયમી રોજદાર તરીકે ફરજ બજાવતા આધેડને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે નગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓનું મેડિકલ ચેકઉપ કરવામાં આવશે. ધોરાજીમાં અત્યાર સુધી કુલ ૩૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
જૂનાગઢ જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. ગઈ કાલે જિલ્લામાં કુલ ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં ગિરિરાજ હાઇટ્સમાં ૨૨ વર્ષીય યુવતી, જલારામ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધ, ક્રુષ્ણનગર જોષીપુરામાં ૪૮ વર્ષના પુરુષ, સિટી બસ કોલોનીના ૬૮ વર્ષના વૃદ્ધા સહિત શહેરી વિસ્તારમાં વધુ ૭ કોરોના વાયસરની ઝપટે ચડ્યા છે. જ્યારે કેશોદ તાલુકાના કેવાદ્રા ગામે ૬૦ વર્ષના વૃદ્ધનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જ્યારે હળવદ પંથક માટે ખૂબ રાહતના સમાચાર જાણવા મળ્યું છે. હળવદમાં જૂન માસથી અત્યાર સુધી ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ચારેય દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા હળવદ પંથક કોરોનામુક્ત બન્યું છે. હળવદમાં દંપતી સહિત ચાર લોકો કોરોના ઝપટે ચડ્યા હતા. જેઓને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તમામ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓએ વાયરસને મ્હાત આપી જિંદગીની જંગ જીતી હતી. આ સાથે હળવદમાં હાલ એક પણ કોરોના પોઝિટિવ કેસ ન હોવાથી કોરોનામુક્ત બન્યું છે.
ઝાલાવાડ પંથકના સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થતાં જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ગઈ કાલે કોરોના પોઝિટિવ મહિલાનું રાજકોટમાં મોત નિપજ્યું છે. જ્યારે જિલ્લામાં વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં તળાવ વિસ્તાર પાસે નજમાબેન રજાકભાઈ ખોજાણી અને તેમના પુત્ર કોરોનાની ઝપટે ચડતા આરોગ્ય વિભાગમાં ચિંતા વધી છે.સુરેન્દ્રનગરમાં કોરોનાના કારણે ત્રણ દિવસમાં ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધી ૧૭૨ કોરોના પોઝિટિવ કેસ અને ૧૨ દર્દીઓના મોત નોંધાયા છે.