૧૫૦ ફૂટ રીંગ રોડ પર સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા: કાર્યકરોમાં ચિંતાનો માહોલ

શહેરમાં કોરોના અજગરી ફુંફાડા મારી રહ્યો છે. આજે બપોર સુધીમાં ત્રણ પોઝીટીવ કેસ મળી આવ્યા બાદ શહેરની જાણીતી સેવાકિય સંસ્થા બોલબાલા ટ્રસ્ટનાં પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તેઓને ૧૫૦ ફુટ રીંગ રોડ પર સિનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. કાર્યકરોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાય ગયો છે. તેઓ અનેક લોકોનાં સંપર્કમાં આવ્યા હોય શહેરનાં જાણીતા લોકોને પણ હવે કોરોન્ટાઈન થવાની ફરજ પડે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ જાણીતી સેવાકિય સંસ્થા બોલબાલા ટ્રસ્ટનાં પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયનો કોરોના ટેસ્ટ રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો હતો. તેઓ છેલ્લા બે દિવસથી તાવ અને શરદી-ઉધરસથી પીડાય રહ્યા હતા. કોરોનાનાં લક્ષણ જણાતા તેઓનો રીપોર્ટ કરવામાં આવતા તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળતા તાત્કાલિક ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી સિનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી દેવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન તેઓએ સેવાની સરવાણી વહાવી હતી. પરપ્રાંતિયો અને ગરીબ લોકો ભુખ્યા ન સુવે તે માટે સતત રાહત રસોડા ચાલુ રાખ્યા હતા. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ તેઓ સતત સેવા આપી રહ્યા હતા. આજે તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા શહેરભરમાં ચિંતાનો માહોલ સર્જાય ગયો છે. કારણકે તેઓ જાહેર જીવનનાં વ્યકિત હોવાનાં કારણે અનેક નામી-અનામી લોકોનાં સંપર્કમાં આવ્યા હતા. છેલ્લા ૪૮ કલાક દરમિયાન જે લોકો જયેશભાઈ ઉપાધ્યાયનાં સંપર્કમાં આવ્યા છે તેઓને હોમ કવોરન્ટાઈન થવાની ફરજ પડશે. હાલ મહાપાલિકાનો કાફલો જયેશભાઈનાં નિવાસ સ્થાન અને બોલબાલા ટ્રસ્ટની ઓફિસ ખાતે ધસી ગયો છે ત્યાં લોકોને રૂબરૂ ‚મળી કોરોનાનાં લક્ષણ હોય તેઓની ચકાસણી કરવામાં આવી રહી છે. બપોરે જયેશભાઈ સહીત વધુ ચાર વ્યકિતઓ કોરોના સંક્રમિત થયા હોવાનું આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.