11 દિવસ બાદ તંત્રએ રિપોર્ટ કરાવતા આધેડ સંક્રમિત આવ્યા: 2000થી વધુ લોકોના સંપર્કમાં આવ્યાનું અનુમાન
અબતક-સબનમ ચૌહાણ સુરેન્દ્રનગર
રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રી થતાં તંત્ર અને લોકોમાં ભયનો માહોલ દેખાઈ રહ્યો છે ત્યારે 11 દિવસ પહેલા આફ્રિકાથી લીંબડી આવેલા આધેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્ર સફાળુ બેઠુ થયું છે. આધેડને હોસ્પિટલમાં દાખલ કરી ઓમિક્રોનના રિપોર્ટ માટે સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ફીદાય બાગ વિસ્તારમાં રહેતા 48 વર્ષના આધેડને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને લઈને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને તાત્કાલિક પણે આ બાબતની આગળની સારવાર અને સાવચેતીની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે મળતી વિગત અનુસાર લીંબડી ખાતે છેલ્લા અનેક વર્ષોથી રહેતા યુવક કામ અર્થે આફ્રિકા ગયા હતા.
ત્યારે આફ્રિકાથી તેમને રજા મળતાની સાથે લીંબડી ફિદાઈ બાગ વિસ્તારમાં આવ્યા હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે 25 નવેમ્બરના રોજ તે સુરેન્દ્રનગર જિલ્લામાં એન્ટ્રી લઇ લીધી હતી. અમદાવાદ સુધી તે આફ્રિકાથી પ્લેનમાં આવ્યા હતા ત્યારબાદ તે ટેક્સી કરી અને પોતાના શહેર લીંબડી તરફ આવ્યા હતા ત્યારે જે સમયે એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે તેમનો કોઈ પણ જાતનો ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો અને તે સીધા લીંબડી ખાતે રવાના થયા હતા.ત્યારબાદ લીંબડી ફીદાય બાગ વિસ્તારમાં રહેતા 48 વર્ષના યુવક પોતાના પરિવાર સાથે રહેવા લાગ્યા હતા ત્યારે તેમનો કોઈ પણ જાતનો ટેસ્ટ આરોગ્ય તંત્ર તથા જે સ્થળે તે એરપોર્ટ ઉપર ઉતર્યા હતા ત્યાં પણ તેમનો કોઈ જાતનો ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના વાયરસ એ ફરી ઉછાળો માર્યો છે. તેવા સંજોગોમાં ગુજરાતમાં પણ આ બાબતનો એક પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યો છે. જેને લઇને ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.તેવા સંજોગોમાં આફ્રિકાના કોંગો સીટીમાંથી આવેલા આ યુવકના ટેસ્ટ કરવા માટે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગને જાણ કરી હતી તે સમયે તંત્ર સફાળું જાગી અને તાત્કાલિક ધોરણે લીંબડી ખાતે રહેતા આ યુવકનો ટેસ્ટ કરવામાં આવતા તેના કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં તેને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે.આફ્રિકાથી લીંબડી પરત ફરેલા આધેડને અમદાવાદ એરપોર્ટ સહિત કોઈપણ સ્થળ પર કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ લીંબડી સ્થાનિક તંત્રને અચાનક જાણ થતાં તેનો ટેસ્ટ કરાવતા આધેડ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. તંત્ર દ્વારા આવી બેદરકારીમાં આગળ હજુ કેટલા લોકો કોરોના સંક્રમીત થશે તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. આરોગ્ય વિભાગે આધેડના 11 દિવસ બાદ કોરોના રિપોર્ટ કરાવ્યા હતા. પરંતુ આ સમયગાળામાં જ કોરોના સંક્રમીત આધેડ 2000થી પણ વધુ લોકોના સંપર્કમાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ તંત્રએ આધેડને હોસ્પિટલમાં દાખલ કરી તેના પરિવારને આઈસોલેટ કરીને તેમના કોરોના રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.