પોલીસની હાજરીમાં ગરાસિયા પ્રૌઢની હત્યા કરી છ માસથી વોન્ટેડ ત્રણ શખ્સોની ધરપકડ થતા કેશુ વાઢેર કોરોનાગ્રસ્ત જાહેર
શહેરની ભાગોળે આવેલા ઠેબચડાના ગરાસીયા પ્રૌઢની જમીન પ્રકરણના કારણે છ માસ પહેલાં કોળી જુથ્થે પોલીસની નજર સામે કરપીણ હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ હત્યાના ગુનામાં ૧૬ શખ્સોની ધરપકડ કરતા પાંચ શખ્સો ફરાર થઇ ગયા હતા. લાંબા સમયથી નાસતા ફરતા હત્યાના ગુનામાં સંડોવાયેલા વધુ ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી છે. ઠેબચડાના ત્રણેય શખ્સોના કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા દરમિયાન કેસુ વશરામ વાઢેરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
ઠેબચડાની ખેતીની જમીનના મુળ ખાતેદાર લખધિરસિંહ જાડેજા ગત તા.૨૯ જાન્યુઆરીએ પોતાના પરિવાર સાથે પોતાની જમીન પર પોલીસને સાથે રાખીને ગયા હતા તે દરમિયાન અગાઉથી જ કાવતરૂ રચીને ખેતરમાં ઘાતક હથિયાર સાથે છુપાયેલા કોળી જુથ્થે હુમલો કરી પોલીસ અને પરિવારજનોની નજર સામે કરપીણ હત્યા કર્યાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પોલીસે હત્યાના ગુનામાં મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લખમણ લાલજી રાઠોડ, લાભુબેન છગન રાઠોડ, દેવુબેન મગન રાઠોડ, દક્ષાબેન લખમણ રાઠોડ, કાંતાબેન રમેશ રઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાતા જેરામ, ખીમજી નાથા, ભૂપત નાથા, રોનક નાથા, પોપટ વશરામ, કેશુબેન વશરામ, ચના વશરામ, શામજી બચુ અને અક્ષિત છાયા નામના શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.
હત્યાના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા પોપટ વશરામ વાઢેર, કેશુ વશરામ વાઢેર, ચના વશરામ વાઢેર અને શામજી બચુ રાઠોડ પૈકીના શામજી બચુ રાઠોડ ગત તા.૧૫ જુને પોતાના ઘરે આવ્યો ત્યારે તેને વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું. વોન્ટેડ ચારેય શખ્સો પૈકીના ત્રણ પોપટ વશરામ વાઢેર, કેશુ વશરામ વાઢેર અને ચના વશરામ વાઢેર ઠેબચડા વાડીએ આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી સહિતના સ્ટાફે ધરપકડ કરી કોરોના રિપોર્ટ કરાવવા હોસ્પિટલ મોકલ્યા છે. જેમાં કેશુ વશરામ વાઢેરનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અને અન્ય બેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. કેશુ વશરામ વાઢેરની પોલીસે પુરી સાવચેતી અને સોશ્યલ ડીસ્ટન્સ સાથે પૂછપરછ કરી હોવાથી ક્રાઇમ બ્રાન્ચના કોઇ સ્ટાફને કોરેઇન્ટાઇનથી બચી ગયા છે.