કો.કો. બેંકના ડિરેકટર પરિવારના ૧૧ સભ્યો સંક્રમિત, એકનું મોત: નવા ૭૪ સંક્રમિત
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ ભારે કહેર વર્તાવ્યો છે, જેમાં છેલ્લાં બે દિવસથી કોરોનાનો વિકરાળ પંજો પડ્યો છે. પરમ દિવસે એકી સાથે ૮૭ દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી ગઇકાલે શહેરી વિસ્તારના ૬૬ અને ગ્રામ્ય વિસ્તારના ૮ મળી વધુ ૭૪ દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ આવતા ભયનો માહોલ ફેલાયો છે. ઉપરાંત જી જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ ૯ દર્દીઓ ના કોરોના ના કારણે મૃત્યુ નિપજયા છે. ઉપરાંત ૪૨ દર્દીઓ સાજા થઇ જતાં જીજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧,૬૪૧ નો થયો છે.
જામનગરમાં કોરોના એ ભારે તાંડવ મચાવ્યો છે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪ દર્દીઓના જી.જી. હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજ્યા છે. જામનગરમાં દેવુભાના ચોકમાં રહેતા પરેશ વિનોદભાઈ ચાવડા નામના ૪૮ વર્ષના યુવાન અને ખંભાળિયા નાકા પાસે રહેતા મહેન્દ્રભાઈ શામજીભાઈ પરમાર નામના ૬૫ વર્ષના વૃદ્ધના ગઈકાલે જીજી હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજયા હતા. ત્યાર પછી જામનગરમાં રાંદલ નગરમાં રહેતા રામસંગભાઇ જેસંગજી કંચવા(૬૧) અને પટેલ કોલોની વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ગાંગાણી (૬૧) ના જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયા છે. ત્યાર ૫છી આજે સવારે એકી સાથે પાંચ દર્દીઓના જી.જી.હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજતા ભારે હાહાકાર મચી ગયો છે. જેમાં જામનગરના લોહાણા વેપારી અગ્રણી અને કો. કો. બેંકના ડાયરેક્ટર પ્રવિણભાઈ ચોટાઈના મોટાભાઈ વિનુભાઈ ચોટાઈનું પણ કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. પ્રવિણભાઈ ચોટાઈ અને તેના પરિવારના કુલ એકી સાથે ૧૧ સભ્યો કોરોના સંક્રમિત બની ગયા છે, અને તમામની જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર ચાલી રહી છે, જેમાં પરિવારની એક વ્યક્તિનું મૃત્યુ છે.
જામનગર શહેરમાં પરમ દિવસે કોરોનાનો વિકરાળ પંજો પડ્યો હતો. અને એકીસાથે ૮૧ કેસ પછી જામનગર શહેરમાં ગઈકાલે સતત બીજા દિવસે એકીસાથે વધુ ૬૬ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી જામનગર શહેરમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧,૩૯૪ નો થયો છે. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તાર મા વધુ ૮ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી ગ્રામ્ય વિસ્તારનો આંકડો ૨૫૩ નો થયો છે. સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ ની સંખ્યા ૧,૬૪૭ ની થઈ છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાંથી ગઇકાલે વધુ ૪૨ દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેઓને રજા આપવામાં આવી છે.
સામાન્ય રોગના દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં જતા કોરોનાનો ભય ન રાખે
જામનગરમાં માર્ચ-ર૦ર૦ થી કોરોના/કોવિડ રોગનું આગમન થતાં જી.જી. હોસ્પિટલમાં સામાન્ય રોગના દર્દીઓની સંખ્યા બીકના માર્યા ઘટી ગઈ છે. આ ભય ખોટો છે. વાસ્તવમાં ખરેખર હકીકત એ છે કે કોરોના/કોવિડ રોગ માટેની સારવાર અને દર્દીઓની તપાસ માટેની હોસ્પિટલ જી.જી. હોસ્પિટલથી ૩૦૦ ફૂટ દૂર સૂર્યગ્રહ સોલેરિયમ પાછળ સાત માળની નવી બિલ્ડીંગ બનેલ છે તેમાં છે. અનેક જગ્યાએ એ રસ્તા તરફ જતા બોર્ડ લાગેલ છે. જી.જી. હોસ્પિટલ જુના બે માળિયા બિલ્ડીંગમાં કોરોના/કોવિડના કોઈ દર્દી આવતા નથી કે તેમાં દાખલ થતા નથી કે સારવાર અપાતી નથી. એટલે કોઈપણ પ્રકારની સામાન્ય બીમારી માટે કોરોના/કોવિડનો ભય રાખ્યા વગર ગરીબ અને સામાનય વર્ગના દર્દીઓ ખોટી સમજ કે ભય રાખવો બરાબર નથી. પછી ભલે એનું વહીવટી સંચાલન જી.જી. હોસ્પિટલ દ્વારા થતું હોય.
હા, કોઈ દર્દીને કોરોના અંગેની શંકા હોય તો બે મિનિટમાં તેનો ટેસ્ટ ૧૩ જેટલા ’ધન્વન્તરિ રથ’માં દરેક લત્તામાં રોથ થાય છે. તેનો વિનામૂલ્યે બહોળો લાભ લેવા સૌને વિનંતી છે. વધુ પૂછપરછ માટે કોર્પોરેશના આરોગ્ય વિભાગમાં તપાસ કરવી.
ઉપરોક્ત બાબતે જી.જી. હોસ્પિટલના અધિકૃત અધિકારી સાથે ચર્ચા થયા પછી જાહેર જનતાની જાણ માટે હોસ્પિટલ એક્ટિવિટી સાથે જોડાયેલ હોઈ, સભ્ય રોગી કલ્યાણ સમિતિ, ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલય, ગુજરાત આયુ. યુનિવર્સિટી, જામનગરના નાતે આ જાહેર નિવેદન કરવાની અમોને ફરજ પડી છે તેવી સ્પષ્ટતા નકુમભાઈ ત્રિવેદીએ કરેલ છે.